ન્યૂયોર્ક,તા.૯

એમેઝોનના મુખ્ય કાર્યકારી જેફ બેજોસે કોરોના મહામારીના આ સમયમાં પણ પોતાની બાદશાહત જાળવી રાખી છે. તે ફોર્બ્સની યાદીમાં સામેલ હજુ પણ સૌથી અમીર વ્યક્તિ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘણુ નુકસાન થયુ છે. તેમને કોરોના કાળમાં પોતાના રિયલ એસ્ટેટ, હોટલ અને રિઝોર્ટના બિઝનેસમાં નુકસાન વેઠવુ પડ્યુ છે.  ફોર્બ્સએ સૌથી અમીર ૪૦૦ અમેરિકી નાગરિકોની યાદી જારી કરી છે. જેમની પાસે ભારતની કુલ જીડીપી કરતા પણ વધારે પૈસા છે. આ ચારસો લોકોની પાસે ૩.૨ ટ્રિલિયન ડૉલરની સંપત્તિ છે. આ અમીરોની સંપત્તિ કોરોના કાળમાં પણ વધી છે જ્યારે ૧.૮ મિલિયન એટલે કે ૧૮ લાખ અમેરિકીઓએ નોકરી ગુમાવી છે. વીડિયો કૉન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમના સીઈઓ એરિક યુવાનની સંપત્તિ આ કોરોના મહામારીમાં જોરદાર રીતે વધી છે અને ૧૮ અન્ય લોકો પાસે પહેલીવાર ફોર્બ્સના અમીરોની યાદીમાં સ્થાન મળ્યુ છે. એરિક પાસે ૧૧ બિલિયન ડૉલરની સંપત્તિ આંકવામાં આવી. એરિકની પાસે ટ્રમ્પની તુલનામાં પાંચ ગણી વધારે મિલકત છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી ૨૭૫માં સૌથી અમીર અમેરિકી નાગરિક હતા, પરંતુ કોરોના મહામારીમાં તેમને જબરદસ્ત નુકસાન વેઠવુ પડ્યુ અને તેઓ ૩૫૨માં નંબર આવી ગયા. તેમની સંપત્તિ ૩.૧ બિલિયન ડોલરથી ઘટીને ૨.૫ બિલિયન ડોલર રહી ગઈ છે. આ યાદીમાં સાત ભારતીય અમેરિકી લોકોએ પણ સ્થાન મેળવ્યુ છે. જેમાં સાઈબર સિક્યોરિટી ફર્મ જેડસ્કેલરના સીઈઓ જે ચૌધરી, સિંફની ટેકનોલોજી ગ્રૂપના સંસ્થાપક ચેરમેન રોમેશ વાધવાની, ઓનલાઈન સામાન પહોંચાડનારી કંપની વેફેયરના સહસંસ્થાપક અને સીઈઓ નીરજ શાહ, સિલિકોન વેલી વેન્ચર કેપિટલ ફર્મ ખોસલા વેન્ચર્સના સંસ્થાપક વિનોદ ખોસલા, શેરપાલો વેન્ચર્સના પાર્ટનર કવિતાર્ક રામ શ્રીરામ, એરલાઈન વેટરન રાકેશ ગંગવાલ અને વર્કડેના સીઈઓ અને સહસંસ્થાપક અનીલ ભૂસરી સામેલ છે.