(એજન્સી) વોશિંગ્ટન તા,૮
અમેરિકાની રીપબ્લીકન પાર્ટીની કોંગ્રેસ મહિલા સભ્ય કેટ કેમાકે એમની કેપિટલ હિલ ખાતે આવેલ ઓફિસ બહાર ઇઝરાયેલનો ધ્વજ ફરકાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી, એમની ઓફિસ ડેમોક્રેટ સભ્ય પેલેસ્ટીન સમર્થક રશીદા તલાઇબની ઓફિસની બાજુમાં જ આવેલ છે. કેટે કહ્યું કે તલાઇબને ઇઝરાયેલ પ્રત્યે ખૂબ જ મજબૂત અભિપ્રાય છે અને મને પણ ઇઝરાયેલ બાબત ખૂબ જ મજબૂત અભિપ્રાય છે એ માટે મેં પ્રતિજ્ઞા કરી છે કે હું ઇઝરાયેલનો ધ્વજ મારી ઓફિસની બહાર અમેરિકાના ધ્વજ પાસે ફરકાવીશ. મારા માટે આ ખૂબ મદદ રૂપ થશે કારણ કે તે અહીંથી કાયમ પસાર થાય છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના જણાવ્યા મુજબ કેટને મોકલાયેલ ઇઝરાયેલનો ધ્વજ ફ્લોરીડાની યુનિવર્સિટીના એક વિદ્યાર્થી સંગઠનનું છે જેમનો ઉદ્દેશ્ય અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે સંબંધો વધુ મજબૂત કરવા માટે છે. સંગઠન દ્વારા બહાર પડાયેલ નિવેદનમાં જણાવ્યું છે કે અમે કોંગ્રેસના બધા જ સભ્યોને વિનંતી કરીએ છીએ કે તેઓ ઇઝરાયેલને વિદેશી સહાય, સરકારી ભાગીદારી, ત્રાસવાદ સામે એકસાથે લડવા અને બે દેશોની રચના માટે પ્રોત્સાહન આપવા માટે સમર્થન આપે. એમાં એક દેશ ઇઝરાયેલ અને બીજો દેશ મીલીટરી વિનાનું પેલેસ્ટીન હોય. તલાઇબની ઓફિસે કેટની પ્રતિજ્ઞાને પ્રસિદ્ધિનું નાટક ગણાવ્યું હતું. એમણે કહ્યું કે સાંસદો પોતાના મતદારો માટે કામ કરવા ચૂંટાય છે નહિ કે આવી પ્રસિદ્ધિ મેળવવાના નાટકો કરવા માટે. એમણે કહ્યું કે હું મતદારોના મુદ્દાઓ તરફ ધ્યાન આપું છું. ફક્ત કેટ જેવા સાંસદો જ આવા નાટક કરી શકે છે.