(એજન્સી) તા.૧૨
પશ્ચિમના મીડિયાના એક સૌથી અત્યંત આદરણીય તંત્રી અને કટાર લેખકે જણાવ્યું છે કે પ્રવર્તમાન વલણ જોતાં એવું લાગે છે કે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચંડ પરાજય થશે અથવા કમસેકમ ભારે હારનો સામનો કરવો પડશે. ધ ફાઇનાન્શિયલ ટાઇમ્સના યુએસ નેશનલ એડિટર અને ચીફ યુએસ કોમેન્ટેટર એડ લુકે જણાવે છે કે પ્રથમ પ્રેસિડેન્શીયલ ડીબેટમાં ટ્રમ્પને નુકાસન થયું છે અને હવે કોવિડ-૧૯ની અસર તેમની પ્રતિભા પર વિનાશકારી હશે. જો કે તેમણે એક વાત કબૂલી હતી કે અમેરિકામાં ટ્રમ્પના જે ૪૦ ટકા જેટલા ચુસ્ત સમર્થકો છે તેઓ કોઇ પણ સ્થિતિમાં ટ્રમ્પને જ મત આપશે. પરંતુ તેના કારણે તેમની જીત નક્કી થશે નહીં. એટલે કે ૪૦ ટકા સમર્થકો ટ્રમ્પ માટે નિર્ણાયક રહેશે નહીં. અન્ય ૬૦ ટકા મતદારો ટ્રમ્પનું ભાવિ નક્કી કરશે. ધ વાયર માટેની કરણ થાપર સાથેની ૪૧ મિનિટની મુલાકાતમાં લુકે જણાવ્યું હતું કે મોટા ભાગના અમેરિકનોને હવે ટ્રમ્પ પસંદ નથી અને તેમને ડેમોક્રેટીક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર જો બિડેન પસંદ નહીં હોવા છતાં તેઓ ટ્રમ્પથી ઉબ આવી ગયાં છે. તેમણે જણાવ્યું હતું કે તમામ પોલ્સ એવો નિર્દેશ આપે છે કે ૨/૩ જેટલા અમેરિકન લોકો એવું માને છે કે કોવિડ-૧૯ સંકટમાં ટ્રમ્પની વર્તણૂંક બેજવાબદાર રહી છે. લુકે જણાવ્યું હતું કે ટ્રમ્પના કેટલાક મતદારોએ હવે બિડેન માટે પોતાની પસંદગી નક્કી કરી નાખી છે. ૨૦૧૬માં ટ્રમ્પે જ્યારે હિલેરી ક્લિન્ટન સામે ચૂંટણી લડી હતી ત્યારે ૬૫ વર્ષ કરતાં વધુ વયના મોટા ભાગના બહુમતી લોકોએ ટ્રમ્પ માટે મતદાન કર્યુ હતું. હવે બિડેન વસ્તીના આ વયોવૃદ્ધ વર્ગમાં પણ બે આંકડામાં ટ્રમ્પ કરતાં આગળ છે એવું લૂકે જણાવ્યું હતું. ગત સપ્તાહે કોવિડ-૧૯થી સંક્રમિત થનાર ટ્રમ્પને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં પરંતુ તેઓ આ સપ્તાહે વ્હાઇટ હાઉસમાં પરત આવી ગયાં છે. ટ્રમ્પે આવીને એવું કહ્યું હતું કે એક નેતા તરીકે મારે આવું કરવું પડે છે. મને ખબર છે કે તેમાં ભય છે પરંતુ મારે આવું કરવું પડે છે. લૂકે જણાવ્યું હતું કે ટ્રમ્પના આ નિવેદનો નવ ફાસીવાદી જેવા છે. મતદાન અંગે વાત કરતાં લૂકેએ જણાવ્યું હતું કે જો બંને ઉમેદવારો વચ્ચે સાંકડી સરસાઇ હશે તો હિંસા થવાની શક્યતા છે અને તેથી પરિણામો ૨૦૦૦ની ચૂંટણીમાં બન્યું હતું તેમ સુપ્રીમકોર્ટને પણ રીફર થઇ શકે છે અને જો આવું થશે તો ચિંતાજનક વાત એ છે કે અમેરિકામાં વિવિધ જમણેરી પાંખના જૂથોમાં શસ્ત્રો ધરવતાં ૩૦૦૦૦ લોકો છે. ટ્રમ્પે પોતાના સમર્થકોને ચૂંટણી મથકો પર બાજ નજર રાખવા જણાવ્યું છે.