(એજન્સી) તેલ અવીવ,તા.૮
૬ઠ્ઠી જાન્યુઆરીએ અમેરિકાના વિદાય થઇ રહેલ ડોનાલ્ડ ટ્રમ્પે રેલીમાં પોતાના સમર્થકોને રીપબ્લીકનોનો બચાવ કરવા ઉશ્કેરતા એમના સમર્થકોએ અમેરિકાની સંસદ પર હુમલો કરી ભારે તોડફોડ અને અરાજકતા સર્જી હતી. ઇઝરાયેલના અધિકારીઓ અને રાજકીય પક્ષોએ અમેરિકાની ઘટનાને નહિ વખોડવા બદલ વડાપ્રધાન નેત્યાનાહુની આલોચના કરી હતી. એમણે કહ્યું કે આ જ પ્રકારની ઘટના ઇઝરાયેલમાં પણ બની શકે છે. નીસેટ સભ્ય ઓરના બર્બીવાઈએ કહ્યું કે નેત્યાનાહુએ પોતાના મિત્ર ટ્રમ્પને કહેવું જોઈએ કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ઇઝરાયેલમાં ના થવું જોઈએ. નીસેટના અન્ય સભ્ય એલી અવીદારએ અનુમાન મુક્યું છે કે જે વોશિંગ્ટનમાં થયું એ ઇઝરાયેલમાં પણ ચૂંટણીઓના પરિણામો પછી થઇ શકે છે કારણ કે નેતાન્યાહુ પણ ન્યાય તંત્ર વિરુદ્ધ સતત ઉશ્ક્રેરણી કરે છે. નીસેટ સભ્ય ઓફેર શેલાહે કહ્યું કે અમેરિકામાં જે થયું એ સંકેતો આપે છે કે એક વ્યક્તિ દેશના પાયાઓને હચમચાવી શકે છે. એ માટે આપણને ઇઝરાયેલમાં લોકશાહીના રક્ષણ માટે બહુ મોડું થાય એ પહેલા જાગૃત રહેવું જોઈએ. નીસેટ સભ્ય રોન હુલાડીએ કહ્યું કે અમેરિકામાં બનેલ ઘટનાઓની ટીકા ના કરવી એ ઓચિંતે બનેલ નથી કારણ કે નેતાન્યાહુ પણ માને છે કે દેશ કરતા એ પોતે વધુ મહત્વપૂર્ણ છે. અન્ય એક સભ્યે કહ્યું કે અમેરિકામાં થયેલ નિષ્ફળ બળવો ટ્રમ્પની ઉશ્કેરણીથી થયું છે. ટ્રમ્પનું માનવું છે કે એમનો વિજય ભગવાનનો સંદેશ છે એને કોઈ ડેમોક્રેટ બદલી ના શકે. કમનસીબે ઘણા કટ્ટરવાદી પક્ષો માને છે કે લોકશાહી ફક્ત એકતરફી જ હોય છે. એ માટે હું આશા રાખું છું કે ઇઝરાયેલમાં આવું નહિ બંને પણ હું આ વિષે વચન આપી નહિ શકું. નેતાન્યાહુ પણ છેલ્લા ચાર વર્ષથી એ જ કરી રહ્યા છે. એના માટે બે વર્ષમાં ચાર વખત ચૂંટણીઓ યોજવી પડી છે. ટ્રમ્પની જેમ નેતાન્યાહુ પણ કોઈ પણ ભોગે સત્તામાં રહેવા માંગે છે.