(એજન્સી) ન્યૂજર્સી, તા.૨૪
અમેરિકામાં ભારતીય મૂળના પરિવારના ત્રણ સભ્યોનું તેમના ન્યૂજર્સી સ્થિત ઘરમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે. અહેવાલ પ્રમાણે અધિકારીઓ દ્વારા પીડિતોની ઓળખ ૬૨ વર્ષીય ભરત પટેલ, તેની ૩૩ વર્ષીય પુત્રવધૂ નિશા પટેલ અને ૮ વર્ષની પૌત્રી તરીકે કરી છે. બ્રંસવિક પોલીસના જણાવ્યા પ્રમાણે, પડોશી દ્વારા ૯૧૧ પર કોલ કરીને આ અંગેની જાણ કરવામાં આવી હતી. પોલીસ પ્રવક્તા લેફ્ટિનેંટ ફ્રેંક સટરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, તેમના પડોશીએ બાજુના ઘરમાં વ્યક્તિ પડી ગયા હોવાનો કોલ કર્યો હતો. જ્યાં પહોંચીને તપાસ કરતાં આ મામલો ડૂબી જવાનો સામે આવ્યું હતું. મૃતકના પડોશીએ જણાવ્યું કે, પરિવાર થોડા દિવસો પહેલા જ અહીં રહેવા આવ્યો હતો અને તેમણે સ્વિમિંગ પૂલના ઉપયોગને લઈ ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું. પોલીસ વડા ફ્રેંક લોસાકોએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમારા સમગ્ર સમુદાય માટે આ દુઃખદ દિવસ છે.