વૉશિંગ્ટન, તા.૧૫
ચીનને ચેતવણી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું ફન્ડિંગ રોકવાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણના જવા કેસ ઝડપથી નોંધાઈ રહ્યા છે. મંગળવાર અમેરિકા માટે ઘણો ખરાબ દિવસ પુરવાર થયો અને દેશભરમાં કોરોના સંક્રમણના લગભગ ૨૭૦૦૦ નવા કેસ સામે આવ્યા. માત્ર એટલું જ નહીં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણની ઝપટમાં આવેલા ૨૪૦૩ લોકોનાં મોત થયા છે. તેની સાથે જ અમેરિકામાં કોરોનાથી થનારા મોતની સંખ્યા હવે ૨૬૦૪૭ થઈ ગઈ છે.
અમેરિકામાં ભયંકર રૂપ ધારણ કરી ચૂકેલો કોરોના વાયરસથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા ૬,૦૦,૦૦૦ની પાર પહોંચી ચૂકી છે. જૉન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી કુલ ૬.૦૩ લાખ લોકો કોરોનાનો શિકાર બન્યા છે.
જણાવી દઇએ કે દેશમાં ૨૬ હજાર ૪૭ લોકોમાં ન્યુ યોર્ક સિટીમાં સૌથી વધુ મોત થયા છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં ૧૦ હજાર ૮૩૪ લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં પણ ચેપના સૌથી વધુ ૨ લાખ ૩ હજાર ૧૨૩ કેસ છે.
અમેરિકા કોરોના વાયરસથી પરેશાન છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડબલ્યુએચઓનું ફન્ડિંગ રોકવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ડબલ્યુએચઓ પર કોરોના બીમારીને છૂપાવી રાખવાનો આરોપ લગાવ્યો છે. ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે આખા અમેરિકામાં હાહાકાર મચાવ્યો છે. આ બીમારીને કારણે અમેરિકામાં ૨૫,૦૦૦થી વધારે મોત થયા છે. જ્યારે બીજી તરફ કોરોના બીમારીને ફેલાતી રોકવા માટે વિશ્વ આરોગ્ય સંગઠનની ભૂમિકાને લઈને અમેરિકા ગુસ્સામાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડબલ્યુએચઓ પર ચીનની તરફેણ કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. સાથે જ તેમણે ફન્ડિંગ રોકવાની પણ ધમકી આપી હતી.
હવે અમેરિકાએ સાચે જ ફન્ડિંગ રોકવાની જાહેરાત કરી દીધી છે. મંગળવારે આ અંગે કરવામાં આવેલી જાહેરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવો આક્ષેપ લગાવ્યો કે ડબલ્યુએચઓ તરફથી કોરોના અંગે ત્યાં સુધી માહિતી છૂપાવવામાં આવી જ્યાં સુધી તે આખી દુનિયામાં ફેલાઈ ન ગયો. પત્રકારો સાથે વાતચીત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોના અંગેની માહિતી છૂપાવવા અને અયોગ્ય વ્યવસ્થા મામલે ડબલ્યુએચઓની ભૂમિકા અંગે અમેરિકા સમીક્ષા કરી રહ્યું છે.
આ પહેલા મંગળવારે ટ્રમ્પે દાવો કર્યો હતો કે દેશમાં લૉકડાઉન હટાવવા અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા સાથે જોડાયેલા નિર્ણયને લેવામાં કોઈ પ્રકારની સલાહની જરૂર નથી અને તેઓ જાતે નિર્ણય લેવામાં સક્ષમ છે. ત્યારબાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયૂ ક્યોમોએ તેમની વિરદ્ધ મોરચો ખોલી દીધો હતો.

વિવાદ માટે આ યોગ્ય સમય નથી : યુએન

યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે કહ્યું કે, આ પ્રકારના વિવાદો માટે આ યોગ્ય સમય નથી. જ્યારે ડબલ્યૂએચઓ મહામારીનો સામનો કરવામાં ખૂબ મહેનત કરી રહ્યુ છે. આ સમય એકતાનો છે. વૈશ્વિક સમુદાયે આ મહામારી સામે એક થઈ લડવું પડશે જેનાથી નુકસાન ઓછું કરી શકાય. જો કે, ડબલ્યૂએચઓ તરફથી ટ્રમ્પના આ નિર્ણય પર કોઇ સતાવાર પ્રતિક્રિયા આવી નથી.