(એજન્સી) વોશિંગ્ટન, તા.૨૧
અમેરિકામાં પણ કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થઇ રહી છે. ચારેબાજુ અફડાતફડીનો માહોલ છે. સમગ્ર દેશમાં હવે લોકડાઉનની સ્થિતિ લાગુ કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. લોકડાઉનનો અર્થ એ થાય છે કે જરૂરી સેવા કરતા બાકી તમામ કામોને છોડીને ઘરમાં જ રહેવામાં આવે. યુરોપના કેટલાક દેશો હાલમાં લોકડાઉનની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. જો અમેરિકામાં પીડિતોની સંખ્યા વધશે તો અહી પણ લોકડાઉન કરવામાં આવી શકે છે. અમેેરિકી હેલ્થ સિસ્ટમમાં રહેલી ખામીને લઇને સમગ્ર અમેરિકામાં ભારે ચર્ચા જારી છે. ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસની શરૂઆત થયા દુનિયાના ૧૮૬ દેશોમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસના કારણે અમેરિકામાં પણ સ્થિતિ વણસી રહી છે. તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી અને સુવિધા હોવા છતાં અમેરિકામાં નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭૫ કેસ સપાટી પર આવી ગયા છે. જ્યારે કેસોની સંખ્યા વધીને ૨૦ હજારની નજીક પહોંચી ગઇ છે. ૬૪ દર્દીઓની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો હજુ ખુબ વધી શકે છે. અમેરિકા જેવા કુશળ ટેકનોલોજી ધરાવતા દેશોની સંખ્યામાં ઉલ્લેખનીય રીતે વધારો થઇ રહ્યો છે. અમેરિકી સેનેટે કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટમાં અમેરિકી કર્મચારીઓની મદદ માટે ૧૦૦ અબજ ડોલરના પેકેજને મંજૂરી આપી દીધી છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના દિવસે આરોગ્ય ઇમરજન્સીની જાહેરાત કરી હતી. અમેરિકી સેનેટે કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે અમેરિકી કર્મચારીઓની મદદ માટે ૧૦૦ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. ટ્રમ્પના હસ્તાક્ષર બાદ આને અમલી કરી દેવામાં આવશે. બીજી બાજુ ફ્રાંસના પ્રમુખ મેક્રો દ્વારા પણ કોરોના વાયરસથી થઇ રહેલા આર્થિક નુકસાનથી પહોંચી વળવા માટે યુરોઝોનમાં નાણાંકીય એકતા વધારવા માટે અપીલ કરી છે. અમેરિકામાં કોરોનાને રોકવા માટેના પ્રયાસમાં તમામ સંબંધિત વિભાગ લાગેલા છે. જો કે અન્ય દેશોની જેમ જ અમેરિકામાં પણ કોરોનાની સંખ્યા રેકોર્ડ ગતિથી આગળ વધી ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા અમેરિકામાં ૧૯૨૪૭ નોંધાયેલી છે.