વૉશિંગ્ટન,તા.૩
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ કિંગ્ડમની સરકારો સફાળી જાગી છે અને સંકટને ડામવા માટે આર્થિક રાહત પેકેજ સહિતના પગલાં લેવાની ફરજ પડી છે. કોરોનાને નાથવા માટે મહિનાઓમાં એન્ટિવાયરલ સારવાર માટે પગલાં લેવામાં આવશે તેમજ આગામી વર્ષ સુધીમાં તેની રસી પણ વિકસાવવા માટે વિશ્વના દેશોએ કમર કસી છે.
અમેરિકામાં કોરોના વાયરથી મૃત્યુઆંક છ પર પહોંચ્યો છે. વોશિંગ્ટનમાં વધુ ચાર લોકોના કોરોનાને કારણે મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે જ્યારે ૯૧ જેટલા કેસ પોઝિટિવ હોવાનું જણાયું છે. અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધતા વિદેશથી આવતા પ્રવાસીઓ પર બાજ નજર રાખવાના આદેશો અપાયા છે. ઈન્ડોનેશિયા કોરોનાથી ઉદભવેલા સ્વાસ્થ્ય સંકટ સામે બીજું સ્ટિમ્યુલસ પેકેજ આપવા કવાયત કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈને જણાવ્યું કે તેમનું રાષ્ટ્ર કોરોના સામે જંગ માટે સજ્જ છે.
બાર વર્ષ પછી વૈશ્વિક અર્થતંત્ર મંદી તરફ ધકેલાઈ રહ્યા છે. ઓઈસીડીના મતે કોરોના સંકટથી વૈશ્વિક અર્થતંત્રોમાં ફરી મંદી પ્રવર્તવાની ભીતિ છે. ઈટાલી તેમજ સ્પેનમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને પગલે યુરોપિયન સંઘે વિશેષ ટીમ તૈયાર કરી છે.
અમેરિકામાં કોરોના વાયરસે માથું ઊંચક્યું છે અને વોશિંગ્ટનમાં છ લોકો મોતને ભેટ્યા છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ સાથે મળીને સ્થિતિની સમીક્ષા કરી છે અને કોરોના માટેની રસી બનાવવા પર કામ કરી રહેલા સ્વાસ્થ્ય અધિકારીઓ તેમજ કોર્પોરેટ્‌સ સાથે ચર્ચા પણ કરી હતી.
ઈન્ડોનેશિયાએ અગાઉ ૭૨૫ મિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યા બાદ હવે વધુ મોટા બીજા રાહત પેકેજની તૈયારીઓ હાથ ધરી છે. ભારત દ્વારા પણ કોરોનાગ્રસ્ત દેશોમાંથી પ્રવાસ કરીને પરત આવતા લોકોના સ્ક્રિનિંગના આદેશ આપ્યા છે. આ ઉપરાંત દેશમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વિશેષ આઈસોલેશન વિભાગ પણ હોસ્પિટલોમાં ઉભા કરવામાં આવ્યા છે.