(એજન્સી) તા.૮
અમેરિકાના કેપિટલ બિલ્ડિંગમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉશ્કેરણી હેઠળ ઉત્પાત મચાવનારા ટ્રમ્પ સમર્થકોની હિંસાથી આખા વિશ્વમાં અમેરિકાની છબિ ખરડાઈ છે. લોકો ખાસ કરીને ટ્રમ્પને જ દોષિત માની રહ્યા છે. કોંગ્રેસ દ્વારા જો બાઈડેનને રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવાની તૈયારીઓ થઇ રહી હતી અને તે જ સમયે ટ્રમ્પ સમર્થકોએ આ રીતે હિંસક દૃશ્યો સર્જ્યા હતા. જો કે, આ સંપૂર્ણ આઘાત પમાડનારી ઘટના પર વિશ્વના અનેક દેશોના નેતાઓ આશ્ચર્યચકિત થઈ ચૂકયા છે. આ ઘટના અંગે નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલનબર્ગે ટ્વીટર પર કહ્યું કે, વોશિંગ્ટનના દૃશ્યો આશ્ચર્યજનક હતા. લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિને માન આપવું જરૂરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આ ઘટનાને દુઃખદ ગણાવી હતી અને કહ્યું કે, અમેરિકા આખી દુનિયામાં લોકશાહીની વાતો કરતો રહે છે અને તેને જ ત્યાં તે શાંતિપૂર્ણ રીતે લોકશાહીને માન આપતા સત્તા સોંપવા તૈયાર નથી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ કહ્યું કે, આ જે લોકોએ પણ હિંસા કરી છે, તે અમેરિકી તો ન જ હોઈ શકે. મેક્રોંએ ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે અમારી લોકશાહીની તાકાતમાં જ વિશ્વાસ રાખીએ છીએ. અમે અમેરિકી લોકશાહીની તાકાતમાં વિશ્વાસ ધરાવીએ છીએ. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે કહ્યું કે, કેપિટલ હિલના ઘટનાક્રમના સમાચારને હું ફોલો કરી રહ્યો છું. આ ચિંતાજનક છે. મને અમેરિકાની લોકશાહી પર પૂરો વિશ્વાસ છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન હાલ ચિંતિત છે. અમેરિકાના લોકોએ તેમને સમર્થન આપવું જોઈએ. જર્મનીના વિદેશમંત્રી હેઈકો માસે કહ્યું કે, ટ્રમ્પ અને તેમના સમર્થકોએ આખરે અમેરિકી મતદારોના નિર્ણયને સ્વીકારવું જોઈએ અને લોકશાહીને ઉથલાવવાનો પ્રયાસ બંધ કરવો જોઇએ. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી બેની ગન્ટ્સે કહ્યું કે, જે લોકો લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા હશે આજે તે બધાના હૃદયને ઠેસ પહોંચી હશે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે, પશ્ચિમી દેશોની લોકશાહીમાં અનેક ખામી છે, તે આજે અમેરિકી કોંગ્રેસ પર ટ્રમ્પ સમર્થકોના હુમલાએ સાબિત કરી બતાવ્યું. ઉલ્લેખનીય છે કે, અમેરિકી સંસદમાં હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ચોતરફ ટીકા થઈ રહી છે. આ સાથે જ તેમની ધરપકડની માંગ થઈ રહી છે. એવામાં ટ્રમ્પ સત્તા હસ્તાંતરણ કરવા માટે તૈયાર થઈ ગયા છે. ૨૦ જાન્યુઆરીએ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના હિંસક સમર્થકો દ્વારા કેપિટલ બિલ્ડિંગમાં કરવામાં આવેલી હિંસાની નિંદા કરી છે. આ સાથે જ વચન આપ્યું છે કે, શાંતિપૂર્ણ રીતે જો બાઈડેનને સત્તા હસ્તાંતરણ કરવામાં આવશે. આ ઘટના બાદ ટ્રમ્પના અનેક સહયોગી અને રિપબ્લિકન સાંસદોએ પણ તેમના વિરૂદ્ધ અવાજ ઊઠાવ્યો હતો અને રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની માંગ કરી રહ્યા છે. આ સાથે જ ટ્રમ્પ સાથે સંકળાયેલા અનેક અધિકારીઓએ પોતાનું પદ છોડવાનું શરૂ કરી દીધું છે.
Recent Comments