(એજન્સી) વોશિંગ્ટન, તા.૬
ફલોઈડના મોત બાદ માનવતા પરથી વિશ્વાસ ડગી ગયેલા લોકો માટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો આશાનું કિરણ બન્યો છે. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, ન્યુયોર્કમાં આફ્રિકન અમેરિકન વ્યક્તિની હત્યાનો વિરોધ કરવા મુસ્લિમો પણ એકઠા થયા હતા. તે દરમિયાન નમાઝનો સમય થતાં તેઓ નમાઝ પઢવા ઊભા થયા હતા. જે વખતે સૌથી ખાસ વાત એ રહી કે આ બિનમુસ્લિમો આ નમાઝીઓની ઢાલ બન્યા હતા. ટ્‌વીટર પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે, આ નમાઝીઓને ન્યુયોર્ક પોલીસથી બચાવવા બિનમુસ્લિમોનું જૂથ તેમની ફરતે સુરક્ષામાં ઊભું થઈ ગયું હતું જેથી મુસ્લિમો સલામત રીતે નમાઝ અદા કરી શકે. ટ્‌વીટર પર આ વીડિયોને ઘણાં લાઈક મળ્યા અને યુઝરોએ લખ્યું હતું કે, અમે આ માનવતાને પ્રેમ કરીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં તાજેતરમાં પોલીસ દ્વારા ૪૬ વર્ષીય અશ્વેત જ્યોર્જ ફલોઈડની પગથી ગળુ દબાવી હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને લોકો વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.