(એજન્સી) વોશિંગ્ટન,તા.૧૭
અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણના વધારે ફેલાવવાની આશંકાઓ વચ્ચે લોકોમાં ભય વધતો જાય છે, આનાથી બચવા માટે અમેરિકાઓમાં બંદૂકો અને દારૂગોળા ખરીદવાની હોડ મચેલી છે. કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં કેલિફોર્નિયા, ન્યુયોર્ક અને વોશિંગ્ટનમાં બંદૂક અને હથિયારોના વેચાણમાં મોટો વધારો જોવામાં આવ્યો છે. અહીંયા મોટી સંખ્યામાં અમેરિકનોને બંદૂકોની ખરીદ-વેચાણ કરતાં જોઈ શકાય છે. દુકાનોની બહાર લાંબી-લાંબી લાઈનો લાગેલી છે. ઓનલાઈન દારૂગોળાની દુકાન અમ્મો ડોટ કોમે બતાવ્યું કે, ર૩ ફેબ્રુઆરી પછી વેચાણમાં ૬૮ ટકાની વૃદ્ધિ થઈ છે. તે દરમ્યાન પ્રકોપનું કેન્દ્ર ઈટાલીમાં હતું. હવે યુરોપ કેન્દ્ર બની ગયું છે. કેટલાક ખરીદારોએ બતાવ્યું કે, તેમને ડર છે કે કામ-ધંધા બંધ હોવાની સ્થિતિમાં દેશમાં જરૂરી વસ્તુઓની કમી આવી શકે છે. આનાથી ભોજન, દવા વગેરે માટે લૂંટફાટ મચી શકે છે. આવી સ્થિતિમાં પરિવારની સુરક્ષા માટે હથિયાર જ વિકલ્પ હશે. દેશભરના સુપર માર્કેટમાં જરૂરી વસ્તુુઓ મેળવવા માટે હજારો અમેરિકનોના ટોળા જોઈ શકાય છે. આમાં ટોયલેટ રોલ, સેનિટાઈઝર અને માસ્ક જેવી વસ્તુઓની કમીને કારણે લોકોમાં ઝઘડા પણ થઈ રહ્યા છે. વધારે માત્રામાં ખરીદી કરવા દેવામાં આવી રહી નથી.