(એજન્સી) તા.૪
હવે જ્યારે અમેરિકામાં મતદાન સમાપ્ત થયું છે ત્યારે ટ્રમ્પ અને બીડેનના પ્રચારકો, મતાધિકાર સંગઠનો અને કોન્ઝર્વેટીવ ગ્રુપ આખરે ક્યા બેલોટ પેપરની ગણતરી કરવી તે બાબતે કાનૂની લડત માટે રાજ્યવાર, કાઉન્ટીવાર વકીલોની ફોજ મોકલી રહી છે અને આ માટે નાણાં પણ એકત્ર કરી રહ્યું છે.
બંને પક્ષે સેંકડો વકીલો કામે લાગશે. રીપબ્લિક પાર્ટીએ ઘણા રાજ્યમાં મતપત્રકોની ગણતરી થાય તે પહેલા જ તેને રદ ઠરાવવાની માગણી કરી છે. આમ મતપત્રકોની ગણતરીની બાબતે ટ્રમ્પ અને બિડેન વચ્ચે કાનૂની જંગ શરુ થઇ ગયો છે. સોમવારે ટેક્સાસમાં એક ફેડરલ જજે ૧૨૭૦૦૦ કરતાં વધુ બેલોટ્‌સને ફેંકી દેવા માટે રાજ્યના અધિકારીઓને ફરજ પાડવા માગતાં સ્થાનિક રીપબ્લિકનો વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. રીપબ્લિકનોએ જણાવ્યું હતું કે હવે તેઓ રાજ્યની કોર્ટમાં તેની વિરુદ્ધ અપીલ કરશે. મેવાડા, મિશીગન અને પેન્સિલવેનિયાની મહત્વની કાઉન્ટીમાં રીપબ્લિકનોની મહત્વની માગણી છે કે બેલોટ્‌સ રદ કરવામાં આવે. પ્રચારના અંતિમ દિવસોમાં ટ્રમ્પે પણ કબૂલાત કરી હતી કે અદાલતમાં ગયા વગર તેઓ ચૂંટણી જીતી શકશે નહીં. ચૂંટણી સમાપ્ત થશે કે તુરત અમે અમારા વકીલો સાથે આગળ વધવાના છીએ એવું તેમણે પત્રકારોને જણાવ્યું હતું. જો મંગળવારે રાત્રે સ્પષ્ટ પરિણામ આવશે તો કદાચ કાનૂની કાર્યવાહી દ્વારા તેને પડકારી શકાશે નહીં પરંતુ જો નિર્ણાયક પરિણામ નહીં આવે તો જુદા જુદા રાજ્યોમાં કાનૂની મોરચે યુદ્ધ જોવા મળશે. બંને પક્ષોને એવી આશા છે કે ટ્રમ્પ અને તેના સાથીઓ કેન્દ્ર પર મોડા આવનારા બેલોટ્‌સને ગેરલાયક ઠરાવવાનો પ્રયાસ કરશે, ખાસ કરીને પેન્સિલવેનિયમાં આવું બની શકે. ડેમોક્રેટીક પાર્ટીના વકીલોને ટેક્સાસના ચુકાદાથી પ્રોત્સાહન મળ્યું છે અને તેમને આશા છે કે વૈચારીક રીતે કોન્ઝર્વેટીવ જજ પણ રીપબ્લિકનની શરમજનક કાર્યવાહી અને હિલચાલને માન્ય નહીં રાખે.