(એજન્સી) વોશિંગ્ટન, તા.૭
એક મોટા ઘટનાક્રમમાં અમેરિકાના અગ્રણી શિક્ષણવિદો અને સાંસદોએ જો યુનિ.ઓ દ્વારા ઓનલાઈન શિક્ષણનો નિર્ણય લેવાય તો ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓને હાંકી કાઢવાના અમેરિકાના નવા દિશા-નિર્દેશો અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે આ નિર્ણયને ભયાનક અને ક્રૂર ગણાવ્યો હતો. આ નિર્ણયથી અમેરિકાની વિવિધ યુનિ.ઓમાં ભણતાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે. સપ્ટેમ્બર માસથી આ નિયમ લાગુ કરવામાં આવશે.
સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક વર્ષ દરમ્યાન જો અમેરિકાની યુનિવર્સિટિઓ અને કોલેજો ઓનલાઇન ક્લાસિસ દ્વારા શિક્ષણ આપવાનો વિકલ્પ પસંદ કરશે તો ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવેલા ભારતીયો સહિતના તમામ વિદેશી વિદ્યાર્થીઓને ક્યાં તો પોતાના દેશમાં ફરજિયાત પાછા જતા રહેવાનું રહેશે અથવા તો તેઓને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર થઇ જવાનું રહેશે એમ ફેડરલ ઇમિગ્રેશન ઓથોરિટિ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સમાં જણાવાયું હતું.
યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સમાં દેશની મોટા ભાગની કોલેજો અને યુનિવર્સિટીઓને ખોલી દેવા માટે દબાણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ કોવિડ-૧૯ના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અમલમાં છે, તે ઉપરાંત અમેરિકામાં કોરોનાના વધુ ને વધુ કેસ નોંધાતા જાય છે તેમ છતાં અમેરિકાની સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ જલ્દીથી ખોલી દેવા માટે થઇ રહેલું દબાણ ઘણું જ સૂચક અને આશ્ચર્જનક છે.
હાર્વર્ડ યુનિવર્સિટી સહિતની સંખ્યાબંધ યુનિવર્સિટીઓ દ્વારા એવી જાહેરાત કરાઇ હતી કે, હવે પછીની તમામ સૂચના ઓનલાઇન આપવામાં આવશે. આ જાહેરાત થઇ એ જ દિવસે તમામ કોલેજોને પણ સરકારની નવી ગાઇડલાઇન્સ મળી ગઇ હતી. જેવી આ ગાઇડલાઇન્સ જાહેર થઇ તેના થોડા સમયમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, સપ્ટેમ્બરથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી જવી જોઇએ. ડેમોક્રેટીક પક્ષ આરોગ્યના કારણોસર નહીં પરંતુ તેનો રાજકીય રોટલો શેકવા શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેવી જોઇ એવો પ્રચાર કરી રહ્યા છે એમ ટ્રમ્પે ટિ્‌વટ કરીને કહ્યું હતું.
ડેમોક્રેટ્‌સ માને છે કે, શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો પ્રચાર નવેમ્બરમાં તેમને મદદ કરશે, પરંતું ના, તે તદ્દન ખોટું છે, હવે લોકો તેમની ચાલ સમજી ગયા છે એમ ટ્રમ્પે તેમના ટિ્‌વટર હેન્ડલ ઉપર લખ્યું હતું. નવા સુધારેલાં નિયમો મુજબ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ કેટલાંક અભ્યાસક્રમ માટે ફરજિયાત ક્લાસમાં વ્યક્તિગત હાજરી આપવાની રહેશે. જે કોલેજો જો કોઇ અભ્યાસક્રમ માટે ઓનલાઇન ક્લાસ ચલાવવાની ઓફર કરશે તો એવી કોલેજોમાં પ્રવેશ મેળવનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નવા વીઝા ઇસ્યુ કરાશે નહીં એમ ગાઇડલાઇન્સમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું. હવે અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક મોટું ધર્મસંકટ ઊભું થયું છે કેમ કે, જે વિદેશી વિદ્યાર્થીઓ ગત વર્ષે સ્ટુડન્ટ વીઝા ઉપર પ્રવેશ મેળવીને અમેરિકાની વિવિધ કોલેજોમાં ભણવા આવ્યા હતા તેઓની કોલેજોએ કોવિડ-૧૯ની મહામારીના પગલે તમામ અભ્યાસક્રમ ઓનલાઇન ચલાવવાની જાહેરાત કરી દીધી હતી. બીજા શબ્દોમાં કહીએ તો હવે નવા શૈક્ષણિક વર્ષથી જો તેમની કોલેજો ઓનલાઇન ક્લાસીસ ચાલુ રાખશે તો તેઓને ફરજિયાત અમેરિકા છોડીને પોતાના દેશમાં વીલાં મોંઢે પાછા ફરવું પડશે. જો તેઓએ પાછા નહીં ફરે તો તેઓને ફરજિયાત દેશ નિકાલ આપવામાં આવશે.

‘ભયાનક’ ‘ક્રૂર’ : ઓનલાઈન વર્ગોની સ્થિતિમાં વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડવાના દિશા-નિર્દેશો અંગે અમેરિકાના કાયદા ઘડનારાઓનો મત

અમેરિકામાં જો વર્ગો ઓનલાઈન કરાશે તો વિદેશી વિદ્યાર્થીઓને તગેડી મુકવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને અહીંના સાંસદોએ ભયાનક અને ક્રૂર ગણાવ્યો હતો. અમેરિકાના અગ્રણી શિક્ષણવિદો અને કાયદો ઘડનારાઓએ આ નવા દિશા-નિર્દેશો અંગે તિવ્ર પ્રતિક્રિયા વ્યકત કરી હતી. ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ ઘોષણા કરી હતી કે અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓની યુનિવર્સિટીઓ જો વર્ગો ઓનલાઈન કરશે તો આવી સ્થિતિમાં વિદેશી વિદ્યાર્થીઓને હાંકી કઢાશે અથવા દેશ નિકાલ આપવામાં આવશે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સત્ર માટે યુનિવર્સિટીઓ ઓનલાઈન વર્ગો શરૂ કરશે. આ નિર્ણયથી અમેરિકામાં અભ્યાસ કરી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને વિપરીત અસર થશે. અમેરિકાના આ નવા નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર પણ લોકોએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. યુનિવર્સિટીના પ્રમુખોનું નેતૃત્વ કરનારી અમેરિકન કાઉન્સિલ ઓન એજયુકેશને જણાવ્યું હતું કે આ દિશા-નિર્દેશો ભયાનક છે અને આ નિર્ણયથી સલામત રીતે શાળા-કોલેજો શરૂ કરવામાં શૈક્ષણિક સંસ્થાઓ સામે અવઢવ પેદા થશે.