(એજન્સી) હ્યુસ્ટન, તા. ૭
અમેરિકામાં હિજાબ પહેરેલી ૩૧ વર્ષીય મુસ્લિમ મહિલા નર્સ પર મુસ્લિમોથી નફરત કરનાર એક હુમલાખોર દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. હુમલાખોરની ધરપકડ તરફ દોરી જતી માહિતી આપનારને ૫૦૦૦ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. હુમલામાં ઘવાયેલી મહિલાએ જણાવ્યું કે ગુરુવારે વહેલી સવારે હોસ્પિટલેથી તે પોતાના ઘર તરફ જઇ રહી હતી ત્યારે ઉત્તરપશ્ચિમ હેરીસ કાઉન્ટીમાં એક લાલ રંગની કાર તેની કારની બાજુમાંથી કારને અડીને પસાર થઇ હતી. મહિલા પોતાની કારને થયેલું નુકાસાન જોવા માટે બહાર નીકળી ત્યારે હુમલાખોર પણ પોતાની કારમાંથી બહાર આવ્યો હતો અને તેણે મોટેથી મહિલાની વિરૂદ્ધમાં અશ્લીલ અને ધાર્મિક ટિપ્પણીઓ કરી હતી અને મહિલાને અપશબ્દો કહ્યા હતા.
હ્યુસ્ટન ચેપ્ટર ઓફ કાઉન્સીલ ઓન અમેરિકન ઇસ્લામિક રીલેશન્સ(સીએઆઇઆર)એ જણાવ્યું કે મહિલાએ બીજીબાજુથી પોતાની કારમાં જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારનો દરવાજો બંધ થઇ ગયો હતો. હુમલાખોરે મહિલા પર ચાકુના હેંડલથી તેના ખભા અને બાવળા પર પ્રહારો કર્યા હતા. ભારે પ્રહારને કારણે મહિલાની ધમની કપાઇ જતા લોહીના છાંટા હુમલાખોરના મોઢા પર પણ પડ્યા હતા. કારમાં બેઠેલી અન્ય એક યાત્રીએ આવીને હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેની કારની અંદર લઇ ગઇ હતી અને ત્યાંથી બંને જણાં નાસી છૂટ્‌યા હતા.
હુમલામાં ઘવાયેલી મુસ્લિમ મહિલા પોતાની હોસ્પિટલે પરત આવી હતી, જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી. હેરીસ કાઉન્ટી શેરીફ કાર્યાલય આ મામલાની તપાસ કરી રહ્યું છે.બંને આરોપી શ્વેત હતા અને તેમની વય ૨૦થી ૩૫ વર્ષની હતી.
સીએઆઇઆર-હ્યુસ્ટનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મુસ્તફા કેરોલે જણાવ્યું કે જે કોેઇ વ્યક્તિનીપાસે આ હુમલાખોર વિશે કોઇ પણ માહિતી હોય તો તેઓ તાકીદે કાયદો અમલી બનાવતા સત્તાવાળાઓ નો સંપર્ક કરે.