(એજન્સી) તા.૭
કોવિડ-૧૯ની શરીરના જ્ઞાનતંતુઓ પર થતી અસરોનો અભ્યાસ કરી રહેલા ડોક્ટરોના ધ્યાન પર આવ્યું છે કે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓમાંથી ત્રીજા ભાગના દર્દીઓને તેમના મગજની બીમારી અને વિકૃતિનો અનુભવ થાય છે અને જેના કારણે મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. સોમવારે એનાલ્સ ઓફ ક્લિનીકલ એન્ડ ટ્રાન્સનેશનલ ન્યૂરોલોજી જરનલમાં આ અભ્યાસના તારણો પ્રસિદ્ધ થયાં હતાં. ૫,માર્ચથી ૬,એપ્રિલ વચ્ચે શિકાગોની ૧૦ હોસ્પિટલમાં આ અભ્યાસ હેઠળ ૫૦૯ દર્દીઓને આવરી લઇને તેમનું મોનિટરીંગ કરવામાં આવતાં એવું જાણવા મળ્યુ હતું કે ૮૨ ટકા દર્દીઓને આ રોગ દરમિયાન કોઇને કોઇ તબક્કે જ્ઞાનતંતુઓને લગતી બીમારીના લક્ષણો જોવા મળ્યા છે. આમાંથી ૪૫ ટકા દર્દીઓને સ્નાયુઓમાં દુઃખાવો જ્યારે ૩૮ ટકા દર્દીઓને માથના દુઃખાવો અને ૩૦ ટકા દર્દીઓને ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે બહુ ઓછા દર્દીઓને સ્વાદ કે સુંઘવાની ક્ષમતા પર અસર જોવા મળી છે. યુવા દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા હતા જ્યારે વયોવૃદ્ધ દર્દીઓમાં એનસેફેલોપેથી એટલે મગજને લગતી બીમારી કે વિકૃતિ જોવા મળી હતી જેમાં ટૂંકા ગાળા માટે યાદદાસ્ત જતી રહે છે અને કેટલાક દર્દીઓમાં બેશુદ્ધાવસ્થાની સ્થિતિ પણ જોવા મળી છે, જ્યારે કેટલાક દર્દીઓમાં કોમાના લક્ષણો જોવા મળ્યાં છે. જે ૧૫૨ દર્દીઓમાં જ્ઞાનતંતુ અને મગજને લગતી વિકૃતિઓ અને બીમારીઓ જોવા મળી હતી તેમાં મોટા ભાગના દર્દીઓ ૬૫ વર્ષની ઉપરના હતાં અને મુખ્યત્વે પુરુષ દર્દીઓ હતાં. ખાસ કરીને અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા મોટા ભાગના કોવિડ-૧૯ના દર્દીઓમાં જ્ઞાનતંતુઓની બીમારીને લગતા લક્ષણો વધુ જોવા મળ્યાં છે. જ્યારે ચીન અને યુરોપમાં માત્ર ૩૬.૪ ટકા અને ૫૭.૪ ટકા દર્દીઓને જ્ઞાનતંત્રને લગતા લક્ષણો જોવા મળ્યા છે.