(એજન્સી) તા.૩
શુક્રવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશમાંથી કરવામાં આવતી આયાત પર વધારે કરવેરા વસૂલતા દેશો પર ‘પારસ્પરિક કરવેરા’ નાખવાની ધમકીને પુનરોચ્ચાર કર્યો હતો. શુક્રવારે તેમણે મુખ્ય રીતે ભારતના સંદર્ભમાં કહ્યું હતું કે અન્ય દેશોમાં આપણી પેદાશો પર પ૦ ટકા કરવેરા વસૂલવામાં આવે છે જ્યારે આપણે અન્ય દેશમાંથી આપણે ત્યાં આવતી એ જ પેદાશ માટે શૂન્ય ટકા કરવેરા વસૂલીએ છીએ, આ યોગ્ય કે ચાલાકીભર્યું નથી.
ફેબ્રુઆરીમાં ટ્રમ્પે હાર્લી ડેવિડસન મોટરસાયકલ પર ઊંચો આયાતવેરો લાગુ કરવા માટે ભારતની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતથી આયાત કરવામાં આવતી મોટરસાયકલો પર અમેરિકા કોઈ કર વસૂલતો નથી. આ એક “અયોગ્ય” વેપાર પ્રણાલીનું ઉદાહરણ છે. ટ્રમ્પે તેમની ટ્‌વીટમાં કહ્યું હતું કે, અમે થોડા જ સમયમાં પારસ્પરિક કરવેરાની શરૂઆત કરીશું કે જેથી તેઓ અમારી પાસેથી જેટલા કરવેરા વસૂલે છે તેટલા કરવેરા અમે પણ વસૂલી શકીએ. ૮૦૦ બિલિયન ડૉલરની વેપાર ખાધ માટે અમારી પાસે કોઈ વિકલ્પ નથી. યુએસએ સ્ટીલની આયાત પર રપ ટકા અને એલ્યુમિનિયમની આયાત પર ૧૦ ટકા વેરો લાગુ કર્યાના એક દિવસ પછી ટ્રમ્પે આ ટ્‌વીટ કર્યું હતું.