ભારત ઉપરાંત ચીન, તાઈવાન, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ઈટાલી, સિંગાપોર, થાઈલેન્ડ અને મલેશિયા આ વોચ લિસ્ટમા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
યુનાઈટેડ સ્ટેટ્‌સે ભારત પ્રત્યે સખત વલણ બતાવતાં તેને ચીન, તાઈવાન જેવા દસ દેશોની સાથે ચલણની હેરાફેરીઓના ‘મોનિટરિંગ લિસ્ટ’માં મૂકી દીધું છે. અમેરિકાએ ભારત સહિત આ યાદીમાં દસ દેશોને સામેલ કર્યા છે, તે તેના તમામ મોટા વ્યવસાયિક ભાગીદારો છે. ભારત ઉપરાંત ચીન, તાઈવાન, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ઈટાલી, સિંગાપોર, થાઈલેન્ડ અને મલેશિયા આ વોચ લિસ્ટમાં છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ પહેલેથી જ વિયેટનામ અને સ્વિટ્‌ઝર્લેન્ડને ચલણની હેરાફેરીઓની શ્રેણીમાં મૂકી ચૂક્યું છે. યુએસ નાણાં મંત્રાલયે બુધવારે કોંગ્રેસમાં રજૂ કરેલા એક રિપોર્ટમાં આ માહિતી આપી છે. સમાચાર એજન્સીઓના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જૂન ૨૦૨૦ સુધીના તેના છેલ્લા ચાર ત્રિમાસિક ગાળામાં અમેરિકાના ચાર મોટા વેપારી ભાગીદાર દેશો-ભારત, વિયેટનામ, સ્વિટ્‌ઝર્લેન્ડ અને સિંગાપોરએ તેમના વિદેશી વિનિમય બજારમાં સતત દખલ કરી છે. અહેવાલમાં નોંધ્યું છે કે, વિયેટનામ અને સ્વિટ્‌ઝર્લેન્ડ સંભવિત અયોગ્ય ચલણ સ્વિંગ્સ અથવા અતિશય બાહ્ય અસંતુલનની ઓળખ કરી ચૂક્યા છે જેણે યુ.એસ. વૃદ્ધિને અસર કરી છે અથવા અમેરિકન કામદારો અને કંપનીઓને નુકસાન પહોંચાડ્યું છે. યુએસના નાણામંત્રી સ્ટીવન ટી. મ્નુચિને કહ્યું, ‘નાણામંત્રાલયે અમેરિકન કામદારો અને ઉદ્યોગોની આર્થિક વૃદ્ધિ અને તકોની સુરક્ષા માટે આજે એક મજબૂત પગલું ભર્યું છે. યુએસ નાણાં મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ દસ દેશોને વિશેષ દેખરેખની જરૂર છે અને આ યાદીમાં તાઈવાન, થાઈલેન્ડ અને ભારતનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે, રિઝર્વ બેંકના ડેટા મુજબ, વર્ષ ૨૦૧૯ના બીજા ભાગમાં ભારત દ્વારા વિદેશી ચલણની ખરીદીમાં તેજી જોવા મળી છે, એ જ રીતે ૨૦૨૦ના પહેલાં ભાગમાં ભારતે શુદ્ધ વિદેશી ચલણ ખરીદી જાળવી રાખી છે.