(એજન્સી) તા.૧૩
દુનિયાના સૌથી મોટા ડોનર તરીકે ઓળખાતા અમેરિકા જો પેલેસ્ટીનની મદદ કરવાનુ બંધ કરે અને ફંડિંગ પાછી ખેંચી લેશે તો કદાચ પેલેસ્ટીની નાગરિકો માટે વાંધાજનક પરિસ્થિતિ સર્જાશે અને તેઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. આ ટિપ્પણી યુએનની પેલેસ્ટીનના શરણાર્થીઓની મદદ કરતી એજન્સીએ કરી હતી. ગત અઠવાડિયે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએન રિલિફ એન્ડ વર્ક એજન્સી(યુએનઆરડબ્લ્યૂએ)ને અપાતી સહાયમાં કાપ મૂકવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઇઝરાયેલ સાથે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં જો પેલેસ્ટીની નાગરિકો સહાય નહીં કરે અને આવી રીતે વિરોધ કરતાં રહેશે તો કદાચ તેમની સહાય બંધ કરવામાં આવી શકે છે. જોકે અમેરિકાના વિદેશ મંત્રાયલના અધિકારીએ આવા કોઇપણ નિર્ણય થયાની પુષ્ટી કરી ન હતી. નોંધનીય છે કે યુએનની શરણાર્થી એજન્સીને સૌથી વધુ ભંડોળ આપનાર અમેરિકા એકમાત્ર દેશ છે. જેણે ર૦૧૬માં ૩૬૦ મિલિયન ડોલરની મદદ કરી હતી. આ આંકડો યુએનઆરડબ્લ્યૂની વેબસાઈટ પર જણાવાયો હતો. આ યુએન એજન્સીની સ્થાપના ૧૯૪૯માં કરવામાં આવી હતી જે પેલેસ્ટીની શરણાર્થીઓની મદદ કરે છે. તેમણે શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા માટે કામગીરી કરે છે અને આ એજન્સી વેસ્ટ બેન્ક તથા ગાઝામાં સંચાલિત છે. એજન્સીના પ્રવક્તા ક્રિસ ગ્યુનેસે કહ્યું કે જે લોકોની યુએન સુરક્ષા કરવા માગે છે અને અમેરિકા આવા લોકો માટેના ભંડોળમાં કાપ મૂકશે તો કદાચ તેમની મુશ્કેલીઓ મોટાપાયે વધી જશે. તેની આવા લોકોના જીવન પર નકારાત્મક અસર થશે. મધ્યપૂર્વના દેશોમાં પેલેસ્ટીનના નાગરિકો સૌથી વધુ મહત્વ ધરાવે છે. અમારી મેડિકલ સેવા તેમને જીવન આપી રહી છે. ત્યાં બાળક, મહિલા અને વૃદ્ધ સહિત તમામ વયના લોકોને એજન્સીની જરુર છે. નોંધનીય છે કે હાલમાં પણ અમેરિકી રાષ્ટ્રપતિના જેરુસલેમ અંગેના નિર્ણયના વિરોધમાં ભયંકર દેખાવો થઇ રહ્યાં છે.