(એજન્સી) તા.ર૮
ચીનની સંસદે હોંગકોંગની સુરક્ષાના ખરડા સાથે આગળ વધવાના નિર્ણયને ગુરૂવારે સ્વીકારી લીધો હતો. હોંગકોંગ એ ચીનનું એવુ એક શહેર છે જે પોતાના તમામ પ્રકારના નિર્ણયો લેવામાં સંપૂર્ણ સ્વાયત્ત છે, પરંતુ છેલ્લા કેટલાંક વખતથી ચીનની સરકારના વલણને જોતાં શહેરના લોકશાહી તરફી નાગરિકોને એવી દહેશત હતી કે તેઓના શહેરની સ્વાયત્તાને ચીનની સરકાર દ્વારા છીનવી લેવામાં આવશે.
ચીને કહ્યું હતું કે આ ખરડાનો મુખ્ય આશય હોંગકોંગના ચીન સાથેના સંબંધ વિચ્છેદ, સત્તા પરિવર્તન, ત્રાસવાદ અને વિદેશી હસ્તક્ષેપ જેવી બાબતો ઉપર મુખ્ય ભાર આપવાનો છે. જો કે ગત સપ્તાહે બેઇઝિંગ ખાતે જાહેર કરાયેલા આ ખરડાની જોગવાઇઓ સામે હોંગકોંગમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જે એક મહિના સુધી ચાલ્યો હતો. આ આક્રોશને શાંત કરવા હોંગકોંગમાં રાયોટ પોલીસ (રમખાણોનો સામનો કરવા માટેની પોલીસ) બોલાવવામાં આવી હતી કેમ કે ચીનના સાંસદો એવા એક ખરડાની ચર્ચા કરી રહ્યા હતા જેમાં ચીનના રાષ્ટ્રગીતનું અપમાન કરવાની હરકતને ગુનો માનવાની જોગવાઇ કરાઇ હતી. બીજી બાજુ અમેરિકાએ હોંગકોંગના લોકશાહી તરફી કેટલાંક લોકપ્રિય નેતાઓને શહેરની સ્વાયત્તા જાળવી રાખવા પ્રોત્સાહિત કરી રહ્યું હતું. અર્થાત ચીનના આંતરાક મામલામાં વિદેશની દખલગીરી વધી ગઇ હતી.
એક ડઝન જેટલા સક્રિય કાર્યકરો એક મોલમાં એકઠા થયાં હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. બીજા દિવસે હજારો લોકો હોંગકોંગની સડકો ઉપર વિરોધ પ્રદર્શન માટે નીકળી પડ્યા હતા અને પોલીસે ૩૬૦ લોકોની ધરપકડ પણ કરી હતી અને સ્થિતિને અંકુશમાં લીધી હતી.
ગત વર્ષે પણ હોંગકોંગના પ્રત્યાપર્ણની જોગવાઇ ધરાવતા ખરડાને દાખલ કરવાના ચીનની સરકારના એક નિષ્ફળ પ્રયાસના મુદ્દે શહેરમાં લોકશાહી તરફી હિંસક અથડામણો ફાટી નીકળી હતી. હોંગકોંગની સુરક્ષા માટે ચીનની સંસદમાં દાખલ કરાયેલા આ ખરડાની હોંગકોંગના નાગરિકોમાં એવો ભય પ્રસરી ગયો છે કે આ ખરડાના માધ્યમની બેઇઝિંગ તેની સત્તા હોંગકોંગ ઉપર લાદી રહી છે અને તેની સ્વાયત્તાને ખતમ કરી રહી છે.
અમેરિકા સાથે ટેન્શન વધતા ચીનની સંસદે હોંગકોંગની સુરક્ષાના ખરડાને મંજૂર કરી દીધો

Recent Comments