(એજન્સી) તા.૩
ઇન્ડિયા સિવિલ વોચ ઇન્ટરનેશનલે તાજેતરમાં ઉ.પ્ર.ની હાથરસ રેપ કાંડ સામે વિરોધ તરીકે એક અગ્રણી આફ્રિકન-અમેરિકન અને દલિત કાર્યકરોએ એક ઓનલાઇન સિરીઝ તૈયાર કરી છે. ઇન્ડિયા સિવિલ વોચ ઇન્ટરનેશનલ દ્વારા આ ઓનલાઇન પબ્લિકેશનમાં કવિતાઓ, લેખો અને વીડિયો સંદેશાઓ હોય છે જેમાં કર્મશીલો, વિદ્વાનો અને પ્રોફેશનલ તરીકે અમેરિકાની યુનિવર્સિટીમાં કામ કરતાં શ્વેત, દલિત અને અન્ય વંચિત સમુદાયોના શક્તિશાળી અવાજને વાચા આપવામાં આવે છે. આ ગ્રુપ અમેરિકા સ્થિત શિક્ષણવિદોનું છે કે જેમણે હાથરસમાં દલિત યુવતી પર બળાત્કાર અને હત્યાના ભયાનક કેસને વખોડી કાઢવા પિટિશન દાખલ કરી હતી. જેમાં કેસ સાથે કામ લેવામાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા પણ ઉજાગર કરવામાં આવી હતી. આ પિટિશનને એક જ સપ્તાહમાં જંગી પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કર્મશીલો, શિક્ષણવિદો અને સંગઠનો તરફથી ૧૮૦૦ હસ્તાક્ષર કરાયાં હતાં જેમાં પોલીસ પાશવતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.
આમ અમેરિકા સ્થિત અગ્રણી દલિત કર્મશીલોએ જ્ઞાતિ આધારીત હિંસા સામે આંતરરાષ્ટ્રીય સહયોગ માટે અનુરોધ કર્યો છે. આ પબ્લિકેશન દલિત અને અન્ય નબળા સમુદાયો વિરુદ્ધ રાજ્ય પ્રેરીત પાશવતા પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે અને જણાવાયું છે કે તેની પાછળનો હેતુ માત્ર યુપીમાં જ નહીં પરંંતુ સમગ્ર ભારતમાં દલિતોના દમન અને સતત અમાનવીય હિંસામાં સરકારની સંડોવણી તરફ ધ્યાન દોરવાનો હેતુ છે.
રિલીજીયસ સ્ટડીઝ સ્કોલર ક્રિસ્ટોફર ક્વિને આ પિટિશન પર સહી કરી છે કે જેમણે એશિયા અને પશ્ચિમમાં બૌદ્ધવાદ પર વ્યાપક લખાણ લખ્યું હતું. તેમણે ઉદામવાદી અને જ્ઞાતિ આધારીત હિંસા વચ્ચે તુલના કરી છે. તેમણે લોકશાહી સંસ્થાઓ અને માનવ મૂલ્યોનું જતન કરવા પણ અપીલ કરી છે.