(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૪
ઉત્તર કેલિફોર્નિયાના ટ્રેવિસ એરબેઝ તરફ વાન હંકારી રહેલા એક ભારતીય મૂળના અમેરિકી ડ્રાઈવરની વાન અચાનક મુખ્ય ગેટ સાથે ટકરાઈ સળગી ગઈ હતી. જેમાં ડ્રાઈવરનું મોત થયું હતું. એફબીઆઈએ આ ઘટનાને ત્રાસવાદી ઘટના સાથે કોઈ સંબંધ નહીં હોવાનું જણાવ્યું છે. મૂળ ભારતીય અમેરિકન નાગરિક હાફિઝ કાઝી (પ૧) ૧૯૯૩થી કાયદેસર રીતે અમેરિકામાં રહેતો હતો અને ડ્રાઈવિંગ કરતો હતો તે સાનફ્રાન્સિસકોમાં રહેતો હતો. બુધવારે સવારે ૭ કલાકે પ્રોપ્રેન ટેક અને ગેસ કેન સાથે વાન એરબેઝના ગેટ સાથે ટકરાઈ આગમાં લપેટાઈ જતાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત થયું હતું. એફબીઆઈના પ્રવકતા રંગને કહ્યું કે આ ઘટનાને આતંકવાદ સાથે લેવા દેવા નથી છતાં મૃતક કાઝીના ફોન નંબરો અને સોશિયલ મીડિયા કનેકશનની સંભવિત તપાસ કરાશે. ઘટનાની તપાસ ચાલુ છે. એરબેઝનો મુખ્ય દરવાજો ફરીથી ખોલી નંખાયો છે. ટ્રેવિસ એરબેઝ પર ૧૦ હજાર સૈનિકો રહે છે. આ અમેરિકાનું સૌથી મોટું લશ્કરી એરબેઝ છે. આ સોલેનો કાઉન્ટી અને મીડવે સેક્રેમેન્ટો સાન ફ્રાન્સિસકો વચ્ચે આવેલું છે.