(એજન્સી) વોશિંગ્ટન, તા. ૬
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીઓમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન દરેક દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. અમેરિકી ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મતો પ્રાપ્ત કરવાનો રેકોર્ડ બનાવવાની સાથે જ બિડેને અમેરિકી મુસ્લિમ મતદારોના વોટ મેળવવામાં પણ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. અહેવાલો અનુસાર અમેરિકાના મુસ્લિમ સિવિલ લિબર્ટી એન્ડ એડવોકેસી દ્વારા કરાયેલા સર્વેક્ષણ મુજબ આશરે ૬૯ ટકા અમેરિકી મુસ્લિમ મતદારોએ પોતાનો વોટ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનને આપ્યો છે જ્યારે માત્ર ૧૭ ટકા અમેરિકી મુસ્લિમ મતદારોએ ડોનાલ્ડ ટ્રમ્પને મતો આપ્યા છે. કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ(સીએઆઇઆર) અમેરિકાના મુસ્લિમો માટે સંઘર્ષ કરનારૂં સંગઠન છે જેણે જેણે ૨૦૨૦ના મુસ્લિમ મતદારોના એક્ઝિટ પોલના પરિણામો જાહેર કર્યા હતા. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર વર્ષ ૨૦૧૭માં અમેરિકામાં આશરે ૩.૪૫ મિલિયન મુસ્લિમો છે અને તે કુલ વસ્તીના ૧.૧ ટકા છે. કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સે પોતાના સર્વેક્ષણમાં ૮૪૪ નોંધાયેલા મુસ્લિમ મતદાર પરિવારોને સામેલ કર્યા હતા. આ સર્વેક્ષણમાં ૮૪ ટકા મુસ્લિમ મતદારોએ માન્યું હતું કે, તેમણે અમેરિકી ચૂંટણીમાં મતદાન કર્યું છે જેમાં જો બિડેનના પક્ષમાં ૬૯ ટકા મતો ગયા છે અને ટ્રમ્પને માત્ર ૧૭ ટકા મતો મળ્યા છે. રિપોર્ટ અનુસાર આ વખતે રોકોર્ડ ૧૦ લાખથીવધુ મુસ્લિમોએ મતદાન કર્યું હતું. સંગઠનના નિર્દેશક રોબર્ડ એસ મેક્કાએ કહ્યું છે કે, રાજ્યો અને રાષ્ટ્રીય રાજનીતિમાં મુસ્લિમ સમુદાયની ભૂમિકા નકારી શકાય તેમ નથી. હવેસમય આવી ગયો છે કે, અમારા નેતાઓ અમારા નાગરિક અને ધાર્મિક અધિકારોની ખાતરી કરે.