(એજન્સી) તા.૨૧
અમેરિકાના મુસ્લિમ સંગઠનોએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનના એ નિર્ણયની ભરપૂર પ્રશંસા કરી હતી જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલાક મુસ્લિમ બહુમતીવાળા દેશો પર યાત્રા પ્રતિબંધ મૂકવાના નિર્ણયને રદ્દ કરી દીધો હતો.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી ૨૦૧૭માં સાત જેટલા મુસ્લિમ દેશો પર અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે, અમેરિકી સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને માન્ય રાખતા તેને સમર્થન આપ્યું હતું. આ પ્રતિબંધ અનુસાર ઈરાન, લીબિયા, સોમાલિયા, સીરિયા, યમન તથા તમામ મુસ્લિમ દેશો સહિત વેનેઝુએલા, ઉત્તર કોરિયાના નાગરિકોના અમેરિકા પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમને એન્ટ્રી વિઝા આપવાની જ મનાઈ કરી દેવામાં આવી હતી. જો કે, ચાડ પણ આ યાદીમાં સામેલ હતો પરંતુ જ્યારે તેણે અમેરિકી એજન્સીને અમેરિકા આવનારા દેશોની વિગતો આપવાનો નિર્ણય કર્યો, તો તેને આ યાદીમાંથી રાહત આપવામાં આવી હતી. ૨૦૧૯માં આ પ્રતિબંધનું વિસ્તરણ કરવામાં આવતા તેમાં મ્યાનમાર, ઈરીટ્રિયા, કિર્ગિસ્તાન, નાઈજિરિયા, સુદાન અને તાન્ઝાનિયાને પણ આવરી લેવાયા હતા. તેઓને પણ અમેરિકામાં વસવાની મનાઈ કરી દેવામાં આવી હતી. બાઈડેનના વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન પાસ્કીએ મીડિયા સાથેની વાતચીતમાં બુધવારે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને આ નિર્ણયને ઉલટાવી દીધો છે. આ નિર્ણય ધર્મના આધારે ભેદભાવ કરનારો હતો. આ મામલે આ નિર્ણયનું સ્વાગત કરતાં કાઉન્સિલ ઓન અમેરિકન ઈસ્લામિક રિલેશન (સીએઆઈઆર)એ કહ્યું હતું કે, બાઈડેનનો નિર્ણય મહત્ત્વપૂર્ણ અને સ્વાગત યોગ્ય છે. આ મુસ્લિમ વિરોધી તથા ઈમિગ્રન્ટ્‌સ વિરોધી અગાઉની સરકારની નીતિઓને દૂર કરવાની દિશામાં બાઈડેન સરકારનું પ્રથમ પગલું છે. આ મુસ્લિમ દેશો તથા તેમના સહયોગીઓ માટે પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. આ ટિપ્પણી સીએઆઈઆરના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર નિહદ અવાદે કરી હતી. બીજી બાજુ અમેરિકાના એક એડવોકસી ગ્રુપ ચેરમેન ઓફ જસ્ટિસ ફોર ઓલ ખુરશીદ મલીકે કહ્યું કે, મુસ્લિમ દેશો પરનો પ્રતિબંધ હટાવવા બદલ જો બાઈડેનનો આભાર. આ એક પરફેક્ટ શરૂઆત છે.