(એજન્સી) તા.૯
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ગઈકાલે કહ્યું હતું કે વિદાય લેનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા યુએસ કેપિટોલમાં કરાયેલા તોફાનથી પશ્ચિમી દેશોની લોકશાહીની કમજોરી અને નિષ્ફળતાનો પર્દાફાશ થયો છે. રૂહાનીએ આગળ કહ્યું કે, ટ્રમ્પ એક અયોગ્ય વ્યક્તિ છે. જેમણે તેમના દેશને શરમજનક સ્થિતિમાં લાવી મૂક્યો છે. તેહરાન ટાઇમ્સ અનુસાર રૂહાનીએ કહ્યું હતું કે અમે જોયું છે કે છેલ્લા ચાર વર્ષોમાં આ એક પ્રજાવાહી વ્યક્તિએ તેના પોતાના દેશ પર કેટલું નુકસાન પહોંચાડ્યું છે, તેના દેશની બદનામી કરાવી છે. જ્યારે પેલેસ્ટીન, સીરિયા અને યમન પર અને અમારા પ્રદેશ પર મોટું નુકસાન લાધ્યું છે. તેમણે ઉમેર્યું કે, સ્વાભાવિક છે કે, જ્યારે એક અયોગ્ય વ્યક્તિ દેશમાં સત્તા ધારણ કરે છે, ત્યારે આ દેશ અને સમગ્ર વિશ્વએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.