(એજન્સી) નવીદિલ્હી, તા.૩
અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શિકા જારી કરાઇ છે. સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે અરજી કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ભારત ખાતેની અમેરિકી એમ્બેસી દ્વારા કેટલીક મહત્વની ટિપ્સ આપવામાં આવી છે. બોગસ દસ્તાવેજો રજૂ કરનારાઓને અમેરિકામાં એન્ટર થવા સામે આજીવન પ્રતિબંધ લાદવામાં આવશે, એવું અમેરિકી એમ્બેસીએ જણાવ્યું છે. અમેરિકી એમ્બેસીમાં ફ્રોડ પ્રિવેન્શન મેનેજર એલિઝાબેથ લોરેન્સે જણાવ્યું કે વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન વિદ્યાર્થીઓએ જુઠ્ઠું બોલવું જોઇએ નહીં. બનાવટી દસ્તાવેજો રજૂ ન કરવા અને ઇન્ટરવ્યૂ દરમિયાન ઇન્ટરવ્યૂ ઓફિસરને ધ્યાનપૂર્વક સાંભળીને જવાબ આપવો.
ઘણા બધા વિદ્યાર્થીઓ વિઝા મેળવવા માટે બોગસ વિઝા એજન્ટનો સંપર્ક કરે છે. આવા વિદ્યાર્થીઓને એમ્બેસી દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને યોગ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. એજ્યુકેશન યુએસએ અમેરિકી સરકારની એક સંસ્થા છે અને આ સંસ્થા ૧૭૦ દેશોમાં વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકી એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ વિશે માહિતી આપે છે.
તેમણે જણાવ્યું કે ઇન્ટરવ્યૂમાં કયા દસ્તાવેજો લાવવા, તેનો કોઇ નિયમ અમે બનાવ્યા નથી. અમે એવું ઇચ્છીએ છીએ કે વિઝા અરજી કરનારાઓ એજ્યુકેશનલ સર્ટિફિકેટ્‌સ, બેંક એકાઉન્ટ્‌સ જેવા પોતાના દસ્તાવેજો લાવવા માગતા હોય તો આ દસ્તાવેજો ૧૦૦ ટકા સાચા અને વાસ્તવિક હોવા જોઇએ બનાવટી નહીં. ૬ઠ્ઠી જૂન ભારતમાં બધા અમેરિકી મિશન ખાતે ‘સ્ટુડન્ટ વિઝા ડે’ હશે.
૩૦મી માર્ચે અમેરિકી સરકારે જણાવ્યું હતું કે અમેરિકામાં એન્ટર થવા માગતી દરેક વ્યક્તિ પાસેથી સોશિયલ મીડિયા આઇડેન્ટિટીસ એકત્રિત કરવાનું સરકાર વિચારી રહી છે.