(સરફરાઝ મનસુરી) અમદાવાદ, તા.૧૮
કેન્દ્ર સરકાર દ્વારા ફસાયેલા મજૂરો અને પરપ્રાંતિય લોકોને ઘરે પહોંચવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે ત્યારે આ કપરા સમયમાં અમદાવાદના કેટલાક લોકો, યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ આવા મુસાફરોની મદદ માટે આગળ આવ્યા છે, જેમાં શહેરના પાંચકૂવા વિસ્તારના યુવાનો પણ બાકાત નથી. આ સેવાભાવી યુવકોની ખિદમત એટલી ઊંચી છે કે તેઓ પોતાના નામો પણ જાહેર કરવા માંગતા નથી. માત્રને માત્ર ‘‘અલ્લાહ’’ને રાજી કરવા નાત-જાત કે ધર્મના ભેદ વિના રાત-દિવસ જોયા વિના પોતાની ખિદમતને અંજામ આપી રહ્યા છે. સાથે તેઓ શારીરિક અંતરની પણ તકેદારી રાખી રહ્યા છે.
સ્પેશિયલ ટ્રેનો શરૂ થતાં અમદાવાદ રેલવે સ્ટેશનના પ્રવેશદ્વારની બન્ને તરફ લાંબી-લાંબી કતારો લાગી જાય છે. હાલ લોકડાઉનના કારણે તમામ ધંધા-રોજગાર, દુકાનો બંધ છે ત્યારે અમદાવાદથી સેંકડો કિ.મી.ની સફર કરી લોકો પોતાના વતન જઈ રહ્યા છે. રસ્તામાં પીવાના પાણી અને નાસ્તાની જરૂરિયાત પડે તે સ્વાભાવિક છે; ત્યારે શહેરના પાંચકૂવા વિસ્તારના યુવાનો તેમની મદદે આગળ આવ્યા છે. આ સેવાભાવી યુવકો અને તેમનું નેતૃત્વ કરનારા લોકો એટલા ઊંચા વિચારો ધરાવે છે કે પોતાનું નામ પણ જાહેર કરવા માંગતા નથી. ખિદમતમાં સામેલ એક યુવકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે કોઈપણ પ્રકારના ભેદ વિના આ યાત્રીઓ વચ્ચે બિસ્કીટના પેકેટ, વેફર, ફ્રૂટ સહિતના કોરા નાસ્તાની વહેંચણી કરીએ છીએ. એટલું જ નહીં લાંબી મુસાફરી માટે તેમને આટલી ગરમીમાં ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરી આપીએ છીએ. સાંજે ઈફતારી બાદથી લગભગ સહેરીના સમય સુધી આ સેવા ચાલુ રહે છે. કોરા નાસ્તાનું એટલું વિતરણ કરવામાં આવે છે કે તેની કોઈ ગણતરી જ નથી. પાંચકૂવાથી સ્ટેશન સુધી દ્વિચક્રી વાહન પર રોજના ર૦૦ મોટા કુલર લાવી ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવે છે. રામુ નામના એક મુસાફરે જણાવ્યું હતું કે, હાલ બધુ બંધ હોવાથી અને નાણાંકીય સંકડામણ હોવાથી આ સેવાભાવી યુવકોની સહાય અમારા માટે ખૂબ કિંમતી છે. આ લોકો દ્વારા પીવાના પાણી અને નાસ્તાની વ્યવસ્થા મુસાફરી દરમિયાન અમારા માટે ખૂબ મદદરૂપ નિવડશે.