(એજન્સી) તા.૧૮
શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે શુક્રવારે એમ કહ્યું હતું કે તેમનો પક્ષ તેમના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેમાં ભવિષ્યના વડાપ્રધાનને જુએ છે. તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળો ઉત્તેજનાનું એક મોજું વહેતું થઇ ગયું હતું.
શિવસેનાની સ્થાપનાના ૫૪માં વર્ષ નિમિત્તે પોતાના ભાષણમાં રાઉતે કહ્યું હતું કે પક્ષના સુપ્રિમો અને દિવગંત નેતા બાલાસાહેબ ઠાકરેનું શિવસેનાના મુખ્યમંત્રીને જોવાનું સ્વપ્ન પૂરૂં થઇ ગયું છે. તેમ છતાં અમે ઉદ્ધવ ઠાકરેજીને દેશના વડાપ્રધાન તરીકે જોવા માંગીએ છીએ. હવે ફક્ત રાજ્યમાં જ નેતૃત્વ કરવાનો નહીં પણ દેશમાં પણ નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે એમ તેમણે તાળિયોના ગડગડાટ વચ્ચે કહ્યું હતું.
તેમણે ઠાકરેને રાજ્યની સરહદ ઓળંગી જવાનો અનુરોધ કર્યો હતો કેમ કે તેમના માટે હવે આ તદ્દન યોગ્ય સમય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ઠાકરેના નેતૃત્વના કારણે જ મહારાષ્ટ્ર કોરોના મહામારી સામેનો જંગ ખૂબ જ અસરકારક રીતે લડી શક્યું છે. આ અગાઉ સેનાભવન ખાતે ઉપસ્થિત અને રાજ્યભરમાં રહેલાં પક્ષના કાર્યકરોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે શિવસેનાએ તેની વિચારધારા સાથે કોઇ સમાધાન કર્યું નથી કે તે કોઇની સામે ઝૂક્યો પણ નથી.
આપણી સાથે અત્યાર સુધી ખેલાઇ રહેલાં રાજકારણને બદલવા હું રાજ્યના મુખ્યમંત્રી તરીકે અહીં આવ્યો છું. વિશ્વાસ કરવો એ આપણી નબળાઇ નથી પરંતુ આપણા સંસ્કાર છે. પ્રાણ જાય પર વચન ન જાય એ આપણી સંસ્કૃતિ છે. શિવસેના અને તેના નેતા ક્યારેય કોઇની સામે ઝૂકશે નહીં એમ ઠાકરેએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે લોકો તેમને વારંવાર પૂછે છે કે તમે એક પછી એક વાવાઝોડા સામે કેવી રીતે લડો છો ? પરંતુ મારા માટે તો શિવસેના જ એક મોટું વાવાઝોડું છે અને તેના સૈનિકો તેની ઢાલ છે. શક્ય છે કે હું તમારી સાથે થોડા ઓછા પ્રમાણમાં સંદેશાવ્યવહાર કર્યો હશે પરંતુ તમારાથી હું ક્યારેય દૂર થઇ શકું નહીં. ભવિષ્યમાં આપણે કોઇ શિવસૈનિકને જ દેશના વડાપ્રધાન બનાવીશું એમ ઠાકરેએ પ્રતિજ્ઞા લેતાં કહ્યું હતું.