અમદાવાદ, તા.૧૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનેલા હાર્દિક પટેલે ભાજપ સરકારને આડેહાથ લેતા જણાવ્યું છે કે, અમે એવા જ વાયદા કરીશું જે પૂરા કરી શકાય. ખેડૂતોને ટેકાના ભાવ, મોંઘવારી સહિતના મુદ્દાનો ઉકેલ લાવી શકાય. લોકોને સુખી અને સમુદ્ધ કરવાનું વચન આપીશું. ભાજપે પ૦ લાખ મકાન અને બે કરોડ નોકરીની વાત કરી હતી જે હજુ સુધી થયું નથી. પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આગામી આયોજન વિશે વાત કરતા કહ્યું કે, મારો ટાર્ગેટ ગુજરાતના ૧૬ હજાર ગામડા ફરવાનો છે. તેમના પ્રશ્નો અને વેદનાને વાચા આપવાનો છે. કોઈ પણ વ્યક્તિની સફરની શરૂઆત સામાજિક અને રાજકીય હોય, હું એ જ કાર્યની શરૂઆત કરૂં છું જેમાં મને સફળતા મળે. આંદોલનની શરૂઆત કરી અને એમાં અમને સફળતા પણ મળી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત તેનો વિરોધ કરી રહ્યા હતા. અમારો પ્રયાસ ગુજરાતના તમામ ગામડાઓને સમુદ્ધ કરવાનો છે. માત્ર અમદાવાદ કે ગાંધીનગર નહીં, મારે કોંગ્રેસ પાર્ટીમાં આવી લોકોની સેવા કરવી હોય તો કરી શકાય. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપાએ લોકો સાથે અન્યાય ન કર્યો હોત તો મારે વિરોધ ન કરવો પડ્યો હોત. લોકોને કોંગ્રેસ સાથે જોડવા મુશ્કેલ છે, પણ અશક્ય નથી. લોકો આજે સરકાર સામે અવાજ નથી ઊઠાવી શકતા. કેમ કે લોકોને જેલમાં જવાનો ડર છે. સરકાર લોકતંત્રની વિરોધમાં કાર્ય કરે છે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકો વિરોધ કરી શક્તા હતા. કોઈને જેલમાં પૂરવામાં આવતા ન હતા કોંગ્રેસનું એક જ જૂથ છે. રાજ્યની ૬ કરોડ જનતાએ કોંગ્રેસનું જૂથ છે, અમારામાં કોઈ જૂથવાદ નથી. ખામ થિયરીમાં પટેલનો ઉલ્લેખ ન હતો તે અંગે પ્રશ્ન પૂછતા હાર્દિકે જવાબ આપ્યો કે, ખાસ થિયરી માત્ર ચૂંટણી લક્ષી મુદ્દો હતો જેને ખોટી રીતે આરએસએસએ મુદ્દો બનાવી લોકોની સામે મૂક્યો હતો. માધવસિંહ સોલંકીની સરકારમાં અનેક પાટીદાર મંત્રી હતા. ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણી વખતે કાશ્મીર અને પાકિસ્તાનની વાત કરે છે. કોંગ્રેસ તમામ ધર્મ અને લોકોને સાથે લઈને ચાલશે. અમને જૂઠ્ઠું બોલતા નથી આવડતું. ભાજપાએ ૫૦ લાખ મકાન અને ૨ કરોડ નોકરીની વાત કરી હતી, જે હજુ નથી થયું, અમે એ વાયદા કરીશુું જે પૂરા કરી શકાય. ખેડૂતોને ટેકાના ભાવ, મોંઘવારી વગેરે અમે લોકોને સુખી અને સમુદ્ધ કરવાનું વચન આપીશું. આ કોઈ શોભાના ગાંઠિયાનું પદ નથી. આઠ પેટા ચૂંટણી જીતવી એ મુખ્ય લક્ષ્યાંક છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાચવી મહાનગરપાલિકામાં ઉત્તમ પ્રદર્શન કરવાનું છે વર્ષ ૨૦૨૨માં ર/૩ બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.