(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે નાગરિકતા સુધારા બિલ બાબતે ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે, કે આ બિલ ભારતીય મુસ્લિમોની વિરૂદ્ધ છે.
એમણે કહ્યું કે મોદી સરકાર બંધારણ મુજબ જ વર્તી રહી છે અને લઘુમતીઓને સંપૂર્ણ રક્ષણ આપવામાં આવશે. એમણે કહ્યું કે હું તમને પૂછવા માંગું છું કે કઈ રીતે આ બિલ ભારતીય મુસ્લિમોને લાગુ પડે છે ? તેઓ ભારતીય નાગરિકો છે અને હંમેશ રહેવાના છે. એમની સામે કોઈ ભેદભાવ નથી રાખતો. કોઈપણ મુસ્લિમને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. જો તમને કોઈ ભય બતાવી રહ્યું છે તો ભય નહીં રાખો. અમે લઘુમતીઓનું સંપૂર્ણ રક્ષણ કરીશું. શાહે કહ્યું અમે દુનિયાના અન્ય દેશોમાંથી આવતા મુસ્લિમોને કઈ રીતે નાગરિકતા આપી શકીએ ? દેશ કઈ રીતે કામ કરશે ? આ ફકત ત્રણ દેશો માટે છે જ્યાં ધાર્મિક લઘુમતીઓ અત્યાચારો સહન કરી રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓની વસ્તીમાં ર૦ ટકા ઘટાડો થયો છે.
જે લોકો યાતનાભર્યું જીવન જીવી રહ્યા છે એમને રાહત આપવા બિલ રજૂ કરાયો છે. આ ત્રણેય દેશોમાં ધાર્મિક લઘુમતીઓની હત્યાઓ થઈ છે, અથવા એ પોતાના ધર્મ બદલવા મજબૂર બન્યા છે અને ભારતમાં પોતાનો જીવ બચાવવા ભાગી આવ્યા છે. એ લોકો અહીં નાગરિકતા મેળવી શકતા નથી મિલકતો લઈ શકતા નથી. શિક્ષણ અને નોકરીઓથી વંચિત છે. આ બિલ અત્યાચાર સહન કરતી લઘુમતીઓને અધિકારો આપશે. આ બિલ અંગે અમોએ અમારા ચૂંટણી ઢંઢેરામાં પણ કહ્યું હતું અમે લોકોએ આ માટે અમને મતો પણ આપ્યા છે. એમણે કહ્યું કે આ બિલ દ્વારા ઉત્તર-પૂર્વના રાજ્યોના લોકોના અધિકારો, ભાષા, સંસ્કૃતિ અને સામાજિક ઓળખ જાળવી રાખશે.