(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૪
નવસર્જન યાત્રાના ચાર તબક્કા પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસ પુનઃ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સવારે પોરબંદરની મુલાકાત લીધા બાદ રાહુલ ગાંધી સાણંદ પહોંચ્યા હતા જયાં દલિત શકિત કેન્દ્રની મુલાકાત લઈ ઉપસ્થિત દલિત ભાઈ-બહેનો અને જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો અસ્પૃસ્યતાને દુર કરશે તમે જે અસ્પૃસ્યતાની વાત કરો છો તે એક ગામમાંથી નહી પરંતુ દેશભરના લોકોના મગજમાંથી દૂર કરવી પડશે જે કામ અમે કરીશું.
રાહુલ ગાંધીએ સાણંદ નજીક દલિત શકિત કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે આ સ્થળે ભારતના સૌથી મોટા ધ્વજને સ્વીકાર્યો હતો. આ ધ્વજને તૈયાર કરવામાં દલિત શકિત કેન્દ્રના તમામ કાર્યકરોએ યથાશકિત સહયોગ આપ્યો છે.આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ત્રિરંગા માટે મારા દિલમાં ખુબ જ જગ્યા છે. જયારે ભાજપના મુખ્યમંત્રી અને વડાપ્રધાનની એક અલગ સોચ છે. મને તમે કદાચ આનાથી પણ વધારે મોટો ધ્વજ આપ્યો હોત તો પણ હું તેને સહર્ષ સ્વીકાર કરી લેત.તેમની માટે તમારા ધ્વજ માટે જગ્યા નથી. તેમની માટે તમારા પરસેવા અને લોહી માટે જગ્યા નથી. તેમની માટે માત્ર ને માત્ર પાંચ દશ ઉદ્યોગપતિઓ માટે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં જોઈએ તેટલી જગ્યા છે. ભાજપ માટે દેશના ગરીબ, દલિત, આદિવાસી અને શોષિત લોકો માટે જગ્યા નથી.રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ ટાટા નેનોએ ૩૩,૦૦૦ કરોડની સહાય કરી હતી. જયારે અમારી કોંગ્રેસ સરકારે ૩૫, ૦૦૦ હજાર કરોડના મનરેગા યોજના શરુ કરી હજારો લોકોને રોજગારી આપી હતી જેનાથી તેમનું જીવન ધોરણ સુધર્યું છે. તેવા સમયે તમારી જમીન તમારું પાણી અને વીજળી ટાટા નેનો આપી છે.રાહુલ ગાંધી એ કહ્યું કે એક તરફ ઉના કાંડ અને બીજી તરફ રોહિત વેમુલા જેવા દલિતોની હાલત છે. હેદરાબાદમાં રોહિત વેમુલાની સરકારે હત્યા કરી છે. ઉના કાંડમાં પણ સરકારની બેદરકારી સામે આવી હતી. નોટબંધી કરીને સમગ્ર ભારતને લાઈનમાં લગાવી દીધા. આ લાઈનમાં સુટ બુટ જોવા મળ્યા ન હતા. નરેન્દ્ર મોદીએ હિંદુસ્તાનમાં તમામ ચોરોનું કાળું નાણું સફેદ કરી આપ્યું છે.જીએસટીનો પણ અમે વિરોધ કર્યો હતો. જો કે તેમ છતાં આ આંધીમાંથી અમિત શાહના પુત્ર જયશાહની એક કંપની આવી અને જેણે ૫૦,૦૦૦માંથી ત્રણ મહિનામાં ૮૦ કરોડ રૂપિયા બનાવી દીધા છે.સંસદનું શિયાળુસત્ર ન બોલાવવાનું કારણ આપતા રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે મોદી નથી ઈચ્છતા કે સંસદમાં જયશાહ, રાફેલ અને ડોકલામ વિશે ચર્ચા થાય આથી તેમણે સંસદને બંધ કરી દીધી છે જે ચૂંટણી બાદ જ ખોલવામાં આવશે. ભાજપના નેતાઓ રોજેરોજ નિવેદનો કરે છે અમે સંસદમાં આ કરીશું કે તે કરીશું પરંતુ સંસદ ખોલો તો ખરી અમે ચર્ચા કરવા તૈયાર છીએ પરંતુ તેઓ ચર્ચાથી ડરતા હોવાથી દૂર ભાગે છે.સાણંદ ખાતેની સભામાં રાહુલ ગાંધીએ નોટબંધી, જી.એસ.ટી., જયશાહની કંપની, ટાટાને લ્હાણી, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, સહિત અનેક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી આડે હાથ લીધા હતા. રાહુલ ગાંધીનું પ્રવચન પૂર્ણ થયા બાદ દલિતોએ રાહુલ ગાંધીને તિરંગો અર્પણ કર્યો હતો જે તેમણે સહર્ષ સ્વીકાર્યો હતો.

ગુજરાતમાં કોંગ્રેસ આવશે તો માછીમારો માટે અલગ મંત્રાલય બનાવશે : રાહુલ ગાંધી

અમદાવાદ,તા.ર૪
ગુજરાતના બે દિવસના ચૂંટણી પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાની યાત્રાનો પ્રારંભ પોરબંદરથી કર્યો હતો. પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી તેમણે ગાંધીબાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ નવસર્જન માછીમાર યાત્રામાં સંબોધન કર્યું હતું. માછીમારોના અધિકારો અંગે સરકાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે દરિયામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. એ માટે ઉદ્યોગપતિઓ જવાબદાર છે ભાજપ સરકાર પાંચ દસ ઉદ્યોગપતિઓને સાચવતી હોવાથી સામાન્ય પ્રજા હાલાકી વેઠી રહી છે. ભાજપ સરકારને આડેહાથ લેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નોટબંધીના કારણે માછીમારો, મજુરો, ખેડૂતો, સહિત તમામ વર્ગ પરેશાન છે. કોંગ્રેસના શાસનમાં માછીમારોને ડીઝલ પર સબસિડી અપાતી હતી. પરંતુ ભાજપ સરકારે માછીમારોને કોઈ લાભ આપ્યા નથી જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો માછીમારોના મનની વાત સાંભળવામાં આવશે અને માછીમારો માટે અલગ મંત્રાલય બનાવાશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.
પોરબંદરથી સાણંદ જતા પહેલા રાહુલ ગાંધીએ રસ્તામાં એક સ્થાનિક હોટલમાં ટૂંકુ રોકાણ કર્યું હતું. અને ચા નાસ્તો કર્યો હતો. આ વેળા રાહુલ ગાંધી સાથે સાંસદ અહમદ પટેલ, પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ જોડાયા હતા. આ તબક્કે અહમદ પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અગાઉ ચારવાર નવસર્જન યાત્રા કરી ચૂકયા છે અને આજે ફરી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમને મળી રહેલા જનસમર્થનથી ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો છે.