(એજન્સી) તા.૨
૨૭, જુલાઇના રોજ સદ્દામ હુસૈન ફકીરે ભારત-બાંગ્લાદેશ સરહદે આવેલા ડાંગરના ખેતરોમાં રાબેતા મુજબ કામ કરવા માટે પોતાના ઘરથી થોડા કિ.મી. દૂર આવેલ કાંટાળા તારની આડશને ઓળંગી હતી. સદ્દામ હુસેન ફકીરે પોતાનું ઓળખપત્ર સીમા સુરક્ષા દળમાં જમા કરાવ્યું હતું અને છ વાગ્યે તેણે પોતાનું કામ શરુ કર્યુ હતું. ૯ વાગ્યાની આસપાસ બે અધિકારીઓ સદ્દામ હુસેન ફકીર પાસે આવ્યાં હતાં અને જણાવ્યું હતું કે તેમના કંપની કમાન્ડર તેમને બોલાવે છે. સદ્દામ જ્યારે ૧૮ નંબરના ગેટ પર કોબરા બીએસએફ કેમ્પ ખાતે પહોંચે છે ત્યારે કમાન્ડર તેની લાઠીથી મારપીટ શરૂ કરે છે અને હિંદીમાં તેને સતત ગાળો આપે છે. આ બાબતે કોઇ ખુલાસો કરવામાં આવ્યો ન હતો પરંતુ તેના બદલે કમાન્ડરે તેને એવું કહ્યું હતું કે એનઆરસી બાદ અમે તને બાંગ્લાદેશ રવાના કરી દઇશું… થોડી રાહ જુઓ. ફકીર આઇબીબીઆર રોડ પર પડી જવા છતાં કમાન્ડરે તેને લાતો અને મુક્કા મારવાનું ચાલુ રાખ્યું હતું. થોડા સમય બાદ તેમના પરિવારજનો અને મિત્રો તેની વહારે આવ્યાં હતાં અને ફકીરને સારાપુલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. બીજા દિવસે ફકીર પોતાના એક મિત્ર સાથે પોતાના દસ્તાવેજો પરત લેવા કોબરા કેમ્પ ગયો હતો અને પોતાને થયેલ હિંસા માટે કારણ પૂછ્યું હતું. પ.બંગાળ સ્થિત માનવ અધિકાર સંગઠન માસૂમ દ્વારા જાહેરમાં શેર કરવામાં આવેલ વીડિયોમાં ફકીર જણાવે છે કે કમાન્ડરે મને ત્યાંથી જવા અને પોલીસ અને કર્મશીલોને જેટલી ફરિયાદ કરવી હોય એટલી ફરિયાદ કરવા જણાવ્યું હતું. કમાન્ડરે મને કહ્યું હતું કે મને તેની કોઇ દરકાર નથી. તું મારી સામે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં કેસ દાખલ કરીશ તો પણ તેની મને કોઇ અસર થશે નહીં. સદ્દામને તેના દસ્તાવેજો પાછા આપવા માટેે ઇનકાર કર્યો હતો. આ જ વીડિયોમાં સદ્દામ કહે છે કે મારી આવકનું એક માત્ર સ્ત્રોત કૃષિ છે તેના વગર હું મારા પરિવારનું ગુજરાન કરી શકીશ નહીં અને મારા બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકીશ નહીં. સદ્દામ ફકીરને જો ટોર્ચર અને કનડગતનો સામનો કરવો પડ્યો તે ભારત-બાંગ્લાદેશ સરહદે થતાં માનવ અધિકાર ઉલ્લંઘનના અસંખ્ય કેસોમાંનો એક કેસ છે.