(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
૧૧,૦૦૦ કરોડના પીએનબી કૌભાંડ પર કોંગ્રેસની પર પલટવાર કરતાં ભાજપે એવું કહ્યું કે અમે તો કોંગ્રેસનો કાદવ-કીચડ ઉલેચવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસને એવો ખુલાસો કરવાનું કહ્યું કે શા માટે અલ્હાબાદ બેન્કના અધિકારી દિનેશ દુબેને રાજીનામું આપવાની ફરજ પાડવામા આવી હતી. અલ્હાબાદ બેન્કના પૂર્વ ડિરેક્ટર દુબેએ એક દિવસ પહેલા એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ સરકાર ૨૦૧૩ માં ભારતના સૌથી મોટા પીએનબી કૌભાંડને અટકાવી શકાવી હોત. દુબેએ ગીતાંજલિ જૂથોને અપાઈ રહેલી લોન પર ચિંતા પ્રગટ કરી હતી. નીર્મલા સીતારમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે પીએનબી કૌભાંડ યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન થયું હતું અને કોંગ્રેસ જુઠાણાઓ ફેલાવી રહી છે. મોદી સરકારના કાર્યકાળમાં પીએનબી કૌભાંડ થયું તેવા કોંગ્રેસનો આક્ષેપનો પલટવાર કરવા માટે ભાજપે સીતારમણને મેદાનમાં ઉતાર્યાં. તેમણે કહ્યું કે નીરવ મોદી વિદેશ ભાગી ગયો હોવાની આશંકા છે પરંતુ સરકાર તેની સામે પગલાં ભરી રહી છે. અમે કૌભાંડીયાઓને દેશ છોડીને ભગાડવામાં સહાય કરી રહ્યાં નથી. તેને બદલે ભાજપ તેમને પકડી રહી છે. કોંગ્રેસ જુઠાણાઓ ફેલાવી રહી છે. અને કોંગ્રેસ કાળના કાદવ-કીચડને ઉલેચવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.