(એજન્સી) મુંબઈ, તા.૨૮
પોતાની પત્નિને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) તરફથી સમન્સ પાઠવાતાં શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે પત્રકારા પરિષદ યોજી આ પગલાને રાજ્કીય વેરની પ્રવૃત્તિ ગણાવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે નોટિસનો જવાબ આપીશું. મારી પત્નિના પલ્લુ પાછળથી વાર કરવાનું છોડી દો. આ સાથે તેમણે ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, મારી પાસે ભાજપની ગેરરિતીઓની એક ફાઈલ છે. જેમાં ૧૨૧ નામો છે. હું ટૂંક સમયમાં ઈડીને આ ફાઈલ સોંપીશ. ઈડીને આ ફાઈલના પગલે કાર્યવાહી કરતાં પાંચ વર્ષ લાગી જશે.
સંજય રાઉતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલા મારી પત્નિએ ઘર ખરીદવા માટે ૫૦ રૂપિયાની લોન લીધી હતી. કાનૂનથી મોટું કોઈ નથી. ના હું ના તમે. ભાજપના નેતાઓની પણ સંપતિમાં વધારો થયો છે. અમે તે અંગે તપાસ કરીશું. જેમની સંપતિમાં ૧૬૦૦ ટકાનો વઘારો થયો છે તેમની ઈડી દ્વારા તપાસ કેમ નથી થતી? મારી પાસે તમામ લોકોની માહિતી છે. સંજય રાઉતે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, આટલી મોટી સંખ્યામાં તમે લોકો આવ્યા છો. એવું લાગે છે કે, જાણે આ એક રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. કાલથી મીડિયા પૂછે છે કે, ઈડીનું નોટિસનું શું થયું. અમારી માટે ઈડી મહત્વનો વિષય નથી. ભાજપનું નામ લીધા વિના સંજય રાઉતે જણાવ્યું હતું કે, પહેલા સીબીઆઈ, ઈડી અને ઈન્કમટેક્ષની કાર્યવાહી થતી તો એવું લાગતું કે, કંઈક ગંભીર છે, પણ પાછલા કેટલાક સમયથી જે રીતે આ તપાસ એજન્સીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, લોકો સમજી ગયા છે કે, એક રાજ્કીય પાર્ટી વેર વાળવા આવું કરી રહી છે. ગત આખા વર્ષ દરમ્યાન તમે લોકોએ જોયુ હશે કે, શરદ પવાર, પ્રફુલ્લ પટેલ, એકનાથ ખડશેને પણ નોટિસો પાઠવવામાં આવી હતી. કાલથી મારા નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે. આ એક પ્રકારની હતાશા છે. આમને સામને લડવું એ રાજનીતિ છે. નેતાઓના પરિવાર પર, મહિલાઓ પર હુમલા કરવા એ નપુશંકતા છે. સંજય રાઉતે જણાવ્યું હતું કે, આ મામલે મારી રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત થઈ છે. અને અમે નક્કી કર્યું છે કે, શિવસેના પોતાની રીતે જવાબ આપશે. અમે કોઈનાથી ડરતાં નથી. ગઈકાલે ભાજપના નેતા ફડણવીસે જણાવ્યું હતું કે, ભૂલ ન કરતાં તો આ નોટિસ ન આવતી, શું નોટિસ એક બ્રહ્મવાક્ય છે. હું ફરી કહી રહ્યો છું કે, અમારે ત્યાં કોઈએ કોઈ ખોટું કામ કર્યું નથી. અમે ડરતાં નથી. છેલ્લા દોઢ માસથી ઈડી અમારી સાથે પત્ર વ્યવહાર કરી રહ્યું છે. તેમને જે દસ્તાવેજો જોઈતા હતા તે તમામ અમે તેમને આપ્યાં છે. પીએમસી અને એચડીઆઈએલ એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ઈડીના પત્રમાં કોઈ ઠેકાણે આ વાતનો ઉલ્લેખ નથી. તો પછી ભાજપના વાંદરા ક્યા આધારે નાચી રહ્યાં છે. શું ભાજપે ઈડી સાથે હાથ મિલાવી લીધા છે. ભાજપને પણ એચડીઆઈએલ તરફથી દાન મળ્યું છે, તો શું ભાજપને પણ નોટિસ પાઠવવામાં આવી છે. અમે આવી નોટિસોથી ડરવાના નથી અને અમે કોઈ પણ કિંમતે આ સરકારનો કાર્યકાળ પૂરો કરીશું. મને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પણ હું તેમનો બાપ છું. ભાજપે મને યાદી બતાવી હતી કે, મહારાષ્ટ્ર સરકારના ૨૨ નેતાઓની તપાસ થશે. તેમની પર દબાણ બનાવી તેમને રાજીનામું આપવા મજબૂર કરવામાં આવશે. પછી સરકાર પાડવાની યોજના હતી. પણ ભાજપની તમામ યોજના નિષ્ફળ થઈ ગઈ. બાલ ઠાકરેએ શીખવ્યું છે કે, બાળકો અને પરિવાર પર હુમલા કરવા નહીં. જો હું ભાજપના પરિવાર સુધી પહોંચીશ તો તેમને દેશ છોડી ભાગવું પડશે.