(એજન્સી) તા.ર૮
ઈરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે તહેરાન નાગરિકોના આરોગ્ય અને રાજનૈતિક ચિંતાઓના કારણે અમેરિકન વેક્સિનનો ઉપયોગ નહીં કરે, પરંતુ તેના સ્થાને પોતાના સહયોગી દેશો અને ઘરેલુ વેક્સિનનો ઉપયોગ કરશે. ઈરાની વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે જણાવ્યું કે, કોરોનાની વેક્સિન દેશમાં ઉપયોગ પણ કરવામાં આવશે અને તેને અહીં તૈયાર પણ કરવામાં આવશે. મોસ્કોના પોતાના પ્રવાસ દરમ્યાન ઝરીફે જણાવ્યું કે, અમે ચીન પાસેથી વેક્સિન લઈશું અને અમે ભારત પાસેથી વેક્સિન લઈશું, અમે આ બધાના સંપર્કમાં છીએ. ઈરાન પોતાની વેક્સિન પણ તૈયાર કરી રહ્યું છે અને માણસો પર તેના ટેસ્ટના પ્રથમ તબક્કા જારી છે. જુન મહિના સુધી ઈરાન વેક્સિન તૈયાર થવાની સંભાવના છે. તહેરાને અમેરિકન વેક્સિન ફાઈઝર અને મોડર્નાને રદ કરી દીધી છે. જેને યુરોપ અને અમેરિકાના સહયોગી પ્રાથમિકતા આપી રહ્યા છે. ઈરાનની ઈસ્લામી ક્રાંતિના વરિષ્ઠ નેતાએ હાલમાં જ અમેરિકન અને બ્રિટિશ વેક્સિનને બિન-વિશ્વાસપાત્ર બતાવતા પ્રતિબંધિત કરી દીધી હતી. ઝરીફે યાદ અપાવ્યું કે, તે પહેલાં પશ્ચિમી દેશોએ આરોગ્ય સહયોગના બહાને ઈરાનનો વિશ્વાસ તોડ્યો છે. તેમણે જણાવ્યું કે, એક યુરોપિય દેશ કે જેનું હું નામ નહીં લઉં તેણે ઈરાનને પીડિત લોહી સપ્લાય કર્યું હતું. ઈરાની વિદેશ મંત્રીનો ઈશારો ફ્રાન્સ તરફ હતો જેણે ૧૯૮૦ અને ૧૯૯૦ના દશકામાં એચઆઈવી પીડિત લોહી ઈરાનને સપ્લાય કર્યું. જેનાથી ઓછામાં ઓછા ૩૦૦ નાગરિકો પીડિત થયા હતા.