(એજન્સી) વોશિંગ્ટન, ૨૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ અંગે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે અમેરિકા, જર્મની, યુકે અને ચીનમાં વેક્સીન અંગે કરવામાં આવી રહેલા પરીક્ષણ બાદ અમે વેક્સી બનાવવાની બહુ નજીક પહોંચી ગયા છીએ. બીબીસીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને વ્હાઇટ હાઉસના કોરોના વાયરસ અંગેના ટાસ્ક ફોર્સના કો-ઓર્ડિનેટર ડેબોરાહ બર્ક્સ પણ જોડાયા હતા. તેમણે એવું પણ કહ્યું કે વેક્સીન બનાવવામાં અમારી સાથે ઘણા મહાન અને તેજસ્વી લોકો કામ કરી રહ્યા છે. માઇક પેન્સે જણાવ્યું કે ન્યૂયોર્ક મેટ્રો વિસ્તાર, ન્યૂજર્સી, કનેક્ટિકટ, ડેટ્રોઇટ અને ન્યૂઓર્લિન્સ સહિતના કોરોના વાયરસના મોટા હોટસ્પોટ્‌સ ખાતે પરિસ્થિતિમાં સુધારો થયો છે. તેમણે એવું પણ કહ્યું કે જો અમે આગળના દિવસોમાં પણ આ પ્રયાસો ચાલુ રાખીશું તો અમેરિકામાં કોરોના વાયરસથી સર્જાયેલી હાલની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થઇ જશે.