કોલંબો,તા.૩
હાલ દુનિયા પર કોરોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. ચીનથી ફેલાયેલ આ જીવલેણ વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી હજારો લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. ત્યારે હવે આ વાયરસની અસર ક્રિકેટના મેદાન સુધી પહોંચી છે એમ લાગી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે તેમના ખેલાડી કોરોના વાયરસના ચેપના ખતરાના કારણે શ્રીલંકા પ્રવાસે હાથ મિલાવશે નહીં. રૂટથી સોમવારે કોરોના વાયરસ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે ઇંગ્લેન્ડની ટીમ બે ટેસ્ટ સીરીઝ રમવા માટે શ્રીલંકા પ્રવાસ પર જઈ રહી છે. રૂટે કહ્યું કે હાથ મિલાવવાની જગ્યાએ ખેલાડીઓ એક-બીજાને અભિવાદન મુઠ્ઠી ટકરાવીને કરશે.
માહિતી મુજબ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસે પહેલી ટેસ્ટ મેચ પહેલા અને તે દરમિયાન ઇંગ્લેન્ડ ટીમના કેટલાક ખેલાડીઓને પેટની તકલીફ અને ફ્લૂની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેથી રૂટે કહ્યું કે અમારી મેડિકલ ટીમે બેક્ટેરિયા ફેલવાથી રોકવા માટે અમને યોગ્ય સલાહ આપી છે. તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકા પ્રવાસે બીમારીથી ટીમના સદસ્યોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેથી તેઓ ન્યૂનતમ સંપર્કને મહત્વ આપીશું.