(એજન્સી) તા.ર૫
કતારના અમીર તમીમ બિન હમાદ અલ-સાનીએ નિશ્ચયપૂર્વક કહ્યું કે તેમનો દેશ ન્યાય મેળવવાના પ્રયત્નોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને સીરિયામાં અત્યાચાર, યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરૂદ્ધના ગુનાખોરોને જવાબદાર ઠેરવશે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સામાન્ય સંમેલનના ૭પમા સત્રના પ્રારંભમાં મંગળવારે એક પ્રવચન આપતા દરમ્યાન તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે અમે અમારા ભાઈચારાવાળા સીરિયાના લોકોને સમર્થન અને સહાયતાના તમામ પાસા પ્રદાન કરવાનું ચાલુ રાખીશું. કતાર ન્યુઝ એજન્સીએ કતારના અમીરને ખાતરી કરતા ટાંકયું હતું કે રશિયા દ્વારા પ્રસ્તાવિત નવા બંધારણના મુસદ્દાની પ્રક્રિયામાં સીરિયન શાસન હજી પણ અવરોધ ઊભો કરી રહ્યું છે. તેમણે પ્રવચનમાં આગળ કહ્યું, સીરિયન સત્તાવાળાઓ આ પ્રયત્નો સાથે તે જ રીતે રમી રહ્યા છે જે રીતે તેઓ કોઈ ફેરફાર કરવાના વાસ્તવિક હેતુ રાખ્યા વગર થોડો સમય ખરીદવા માટે વાટાઘાટોમાં ભાગ લેતા આંતરરાષ્ટ્રીય સમુદાયને સહકાર આપવાનો ઢોંગ કરી ચૂકયા છે. કતારના અમીરે તેના દેશની દૃઢ માન્યતાને પુનરાવર્તિત કરતા કહ્યું કે સીરિયન સંકટનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો જિનિવા જાહેરાતના આધારે રાજકીય સમાધાન સુધી પહોંચવું છે અને સુરક્ષા પરિષદ ઠરાવ રરપ૪નું અમલીકરણ છે. તેમણે ધ્યાન દોરતા કહ્યું કે સીરિયામાં આ સશસ્ત્ર સંઘર્ષ ફાટી નીકળ્યાને નવ વર્ષ થઈ ગયા છે, જે દરમ્યાન સીરિયામાં અભૂતપૂર્વ માનવતાવાદી દુર્ઘટનાઓ જોવા મળી હતી. આ કટોકટી અને સંકટનો ઉકેલ લાવવો ઘણો અઘરો છે. જેનું કારણ રાષ્ટ્રપતિ બશર અલ-અસદનો હઠાગ્રહ અને આંતરરાષ્ટ્રીય સમુદાયની વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા અંગે તેની ભાગ ભજવવાની અનિચ્છા છે. ખાસ કરીને યુએન સુરક્ષા પરિષદ, સીરિયન નેશનલ ગઠબંધન(એસએનસી)એ અગાઉ પણ કતારના ઉપ વડાપ્રધાન અને કતારના વિદેશ બાબતોના મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુર્રહેમાન અલ-સાની સાથે સીરિયામાં રાજકીય પરિસ્થિતિ અને જમીન પરના નવીનતમ વિકાસ અંગે ચર્ચા કરી હતી. જેમાં નાગરિકો વિરૂદ્ધ ઉત્તર સીરિયામાં લશ્કરી કામગીરીના પરિણામે માનવતાવાદી આપત્તિ ઉત્પન્ન થવાનો પણ સમાવેશ થાય છે.