(એજન્સી)               તા.૯

ગુમ થયેલા મજૂરો સોપિયાનમાં થયેલા નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા એવા ગંભીર આરોપની તપાસ કરવા પોલીસ રાજૌરીના ત્રણ મજૂરોના પરિવારના ડીએનએ સેમ્પલ લઇ ગયા હતા તે વાતને આજે ત્રણ સપ્તાહનો સમય વીતી ગયો છે તેમ છતાં આ સેમ્પલનો રિપોર્ટ આવ્યો નથી. પોલીસના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ યુવકોના પરિવારજનોએ કહ્યું હતું કે ગત ૩ સપ્ટેમ્બરના રોજ ફરીથી જુદા-જુદા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, તે સમયે પણ ડીએનએનું પરિણામ આપ્યું નહોતું અને હજુ વધુ વિલંબ થશે એમ જણાવાયું હતું. ગુમ થયેલા અબરાર નામના મજૂરના પિતરાઇ ભાઇ નશીબ બોકારીએ કહ્યું હતું કે સત્તાવાળાઓએ એમને કહ્યું છે કે આ પ્રક્રિયા પૂરી થતાં હજુ વધુ ૧૦ દિવસ લાગશે. ગઇકાલે પણ તેઓ એના એ જ ફોર્મ લઇને ભરાવવા આવ્યા હતા જે પહેલાં ભરાઇ ચૂક્યા હતા. અગાઉ ઊર્દૂમાં ફોર્મ ભરાવ્યા હતા અને હવે અંગ્રેજી ભાષામાં ભરાવ્યા હતા. અબરારના અન્ય એક પિતરાઇ ભાઇ મોહંમદ સલીમને ગત ૨ સપ્ટેમ્બરના રોજ સત્તાવાળાઓએ ખાતરી આપી હતી કે આગામી ત્રણ દિવસમાં જ ડીએનએ સેમ્પલનો રિપોર્ટ આવી જશે. તેઓ ગઇકાલે આવ્યા હતા અને કહ્યું હતું કે પહેલાં ઉર્દૂ ભાષામાં ભરેલા પોર્મને ચંદીગઢમાં કોઇ વાંચી શકશે નહીં તેથી અંગ્રેજી ભાષામાં ફોર્મ ભરાવ્યું હતું. તે ઉપરાંત અન્ય એક અધિકારી પણ ગઇકાલે આવ્યો હતો જેણે કહ્યું હતું કે ડીએનએનો રિપોર્ટ આવતાં હજુ વાર લાગશે. ગત ૧૮ જુલાઇના રોજ સોપિયાનમાં લશ્કરી દળો સાથે થયેલી સશસ્ત્ર અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ ત્રાસવાદીઓની લાશમાંથી લેવાયેલા ડીએનએને તેઓના પરિવારજનોના ડીએનએ સાથે મેચ કરવા પોલીસ ૧૩ ઓગસ્ટના રોજ આ પરિવારોના ડીએનએના સેમ્પલ લઇ ગઇ હતી. શરૂઆતમાં સત્તાવાળાઓએ કહ્યું હતું કે ડીએનએ સેમ્પલની આખી પ્રક્રિયા પૂરી થતાં એક અઠવાડિયું લાગશે. જો કે અત્યારે એક મહિનાનો સમય થઇ ગયો હોવાં છતાં તે સેમ્પલનો રિપોર્ટ હજુ સુધી આવી શક્યો નથી. અબરાર એહમદ, મોહંમદ અબરાર અને ઇમ્તિયાજ એહમદ નામના રાજૌરીના ત્રણ યુવકો કાશ્મિરના સોપિયાન જિલ્લામાં મજૂરી અર્થે ગયા હતા, પરંતુ ગત ૧૭ જુલાઇથી તેઓ તેમના ભાડાના મકાનમાંથી ગૂમ થઇ ગયા હતા જેથી તેના પરિવારજનોએ ૯ ઓગસ્ટના રોજ આ યુવકો ગુમ થયા હોવાની પોલીસ પરિયાદ નોધાવી હતી.