(એજન્સી) કોલકાતા, તા. ૨૩
પશ્ચિમ બંગાળમાં અમ્ફાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા ૮૬ થઈ ગઈ છે તેમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું. કોલકાતામાં તોફાનના ત્રીજા દિવસે પણ ખોરવાયેલા વિજળી અને પાણી પુરવઠાને સામાન્ય રીતે ચાલુ ન કરાતા લોકોમાં રોષ ભભૂક્યો છે. રાજ્યમાં વીજળી અને પાણી પુરવઠો અને રાહત કામગીરી માટે દેખાવો શરૂ થયા છે. પશ્ચિમ બંગાળ સરકાર, એનડીઆરએફ અને એસડીઆરએફ રાહત કાર્યમાં રોકાયેલા છે. પશ્ચિમ બંગાળ સરકાર વતી, ગૃહ મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું, ’રાજ્ય સરકાર ૨૪ઠ૭ રાહત કાર્ય અને આવશ્યક ચીજોની પુનઃસ્થાપનામાં રોકાયેલ છે. રાજ્ય સરકારે સૈન્યની મદદ માંગી છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ રેલ્વે, બંદરો અને ખાનગી ક્ષેત્રની મદદ લેવામાં આવી છે. સરકારે કહ્યું કે પીવાના પાણીની વ્યવસ્થા અને ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો એ અમારી પ્રાથમિકતા છે. જરૂર પડે ત્યાં જનરેટર લગાવવામાં આવી રહ્યા છે. ચક્રવાતમાં પડી ગયેલા વૃક્ષોને દૂર કરવા માટે અનેક વિભાગોની મદદ લેવામાં આવી રહી છે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર પ્રદીપ જેનાએ કહ્યું કે ઓડિશા પશ્ચિમ બંગાળમાં રાહત કાર્યમાં પણ મદદ કરશે. તેમણે કહ્યું, ’ઓડિશા સરકારે ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સના ૫૦૦ જવાનો અને ફાયર વિભાગના ૫૦૦ જવાનોને પશ્ચિમ બંગાળમાં પડેલા ઝાડ દૂર કરવા, માર્ગ સાફ કરવા અને અન્ય રાહત કામગીરી માટે મોકલવાનો નિર્ણય કર્યો છે.’
મમતાએ મદદનું આહ્વાન કરતાં સેના ખડકાઇ
સંરક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે, અમ્ફાન તોફાનને કારણે થયેલા વિનાશને જોતાં જરૂરી માળખા અને સેવાઓને ફરી શરૂ કરવા માટે શનિવારે કોલકાતા અને તેના આસપાસના જિલ્લાઓમાં સેનાને ખડકી દેવાઇ છે. અધિકારીએ કહ્યું કે, સેનાની ત્રણ કોલમને કોલકાતા તથા ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ઉતારાઇ છે. રાજ્યના આ ત્રણ ભાગોમાં સાયક્લોનને કારણે સૌથી વધુ નુકસાન થયું હોવાના અહેવાલ છે. તેમણે કહ્યું કે, અમ્ફાન તોફાન બાદ કોલકાતા શહેર તંત્રની મદદ માટે આર્મીની ત્રણ કોલમ ઉતારાઇ છે. તેમણે કહ્યું કે, દક્ષિણ કોલકાતામાં ટોલીગુંગ, બેલીગુંગ અને બેહાલા ખાતે સેનાને માર્ગોને ખુલ્લા કરવા તથા વૃક્ષોને હટાવવાના સાધનો સાથે મોકલાઇ છે. ઉપરાંત આર્મીની કોલમોને ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ન્યૂ ટાઉન અને દક્ષિણ ૨૪ પરગણામાં ડાયમંડ હાર્બરમાં પુનઃસ્થાપના માટે ઉતારાઇ છે. એક આર્મી કોલમમાં ૩૫ સભ્યો છે જેમાં અધિકારીઓ અને જુનિયર કમિશન્ડ ઓફિસરોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજીએ સહાય માટે આહવાન કર્યું હતું જેમાં તેઓ પહેલા જ કોલકાતામાં લોકોના ઘરોમાં વિજળી અને પાણીનો પુરવઠો હજુ સુધી ચાલુ નથી થયો હોવાથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શનિવારે અનેક ટિ્વટ અને પ્રેસનોટ દ્વારા રાજ્યના ગૃહ વિભાગે કહ્યું હતું કે, રાજ્ય સરકાર જરૂરી માળખાઓ અને સેવાઓના પુનઃ સ્થાપન માટે ૨૪ કલાક કામ કરી રહી છે.
Recent Comments