(એજન્સી) કોલકાતા, તા. ૨૧
શક્તિશાળી ચક્રવાતી તોફાન અમ્ફાને બંગાળના અનેક શહેરોમાં હાહાકાર મચાવ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, રાજ્યમાં અમ્ફાનને કારણે અત્યારસુધી ૭૨ લોકોનાં મોત થયા છે, આ તોફાનને કારણએ હજારો મકાનો નષ્ટ થયા છે, હજારો વૃક્ષો ઉખડી ગયા છે અને ઇલેકટ્રિક થાંભલા પણ પડી ગયા છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, અમ્ફાનથી થયેલું નુકસાન કોરોના વાયરસના નુકસાન કરતા પણ વધારે છે અને તેમણે વડાપ્રધાન મોદીને અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા માટે કહ્યું છે તથાજે વિસ્તારોમાં મકાનો નષ્ટ થયા છે તેમને બાંધવા માટે મદદ પુરી પાડવા માટે જણાવ્યું છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુંદરબનની મુલાકાત લેવા કહ્યું છે. આવા સમયે અથવા કટોકટીના સમયે ચાલો સાથે મળીને કામ કરીએ. અમિત શાહે બપોરે મને ફોન કર્યો હતો અને વિશ્વાસ અપાવ્યો હતો કે કેન્દ્ર સરકાર સંપૂર્ણ મદદ કરશે.
૨. પીએમે કહ્યું કે, બંગાળ સાથે સમગ્ર દેશ ઊભો છે અને અસરગ્રસ્તોને મદદ કરવામાં આડે આવનારા તમામ અવરોધો દૂર કરાશે. આ પડકારજનક સમયમાં સમગ્ર દેશ પશ્ચિમ બંગાળના સમર્થનમાં ઉભો છે અને રાજ્યના લોકોના સારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. સ્થિતિ સામાન્ય કરવાની ખાતરી કરાઇ રહી છે.
૩. મમતા બેનરજીને એવું કહેતા સંભળાયા હતા કે તેમણે આ પહેલા આવા તોફાન જોયા નથી અને તેમણે તોફાનને કારણે મોતને ભેટેલાના પરિવારજનોને ૨.૫ લાખ રૂપિયા વળતર તરીકે આપવાની જાહેરાત કરી હતી.
૪. મમતા બેનરજીએ જણાવ્યું કે, આમાંથી મોટાભાગના લોકોનાં મોત વૃક્ષો અને થાંભલા પડવાને કારણે થયા છે. ૭૨માંથી ૧૫નાં મોત કોલકાતામાં થયા છે.
૫. બંગાળ એવા ચક્રવાતી તોફાનનો સામનો કરી રહ્યું હતું જે ૧૮૫ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનો સાથે દરિયાકાંઠે અથડાયું હતું. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, સાયક્લોનને કારણે રાજ્યમાં આશરે ૧ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
૬. કોલકાતામાં ૧૨૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનોએ કારોને ઊંધી કરી દીધી હતી જ્યારે વૃક્ષો તથા ઇલેકટ્રિક થાંભલાઓને ઉખેડી ફેંક્યા હતા જેના કારણે માર્ગો જામ થઇ ગયા હતા. ભારે પવનોને કારણે કોલકાતાની કેટલીક જૂની બ્લિડીંગોમાં તિરાડો દેખાઇ હતી.
૭. પહેલાથી જ બંધ રખાયેલા કોલકાતા એરપોર્ટમાં ભારે પવનો અને વરસાદને લીધે અનેક સ્ટ્રકચરને નુકસાન થયું છે.
૮. સાયક્લોને નોર્થ અને સાઉથ ૨૪ પરગણામાં પણ ભારે તબાહી મચાવી હતી જ્યાં ભારે વરસાદ અને પવનો ફૂુંકાયા હતા. કાચા મકાનો ધોવાઇ ગયા હતા જ્યારે વૃક્ષોના મૂળિયા ઉખડી ગયા હતા. બીજી તરફ વિજળીના થાંભલા પડી ગયા હતા અને નીચાણવાળી વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા.
૯. વાવાઝોડા દરમિયાન આખી રાત કંટ્રોલ રૂમમાં રહેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ‘‘આ વિનાશ હતો’’ સાથે ઉમેર્યું કે, જોકે, પાંચ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા હોવાથી રાજ્ય તંત્ર બધામાં તેની વિકરાળતાને સંભાળી ના શકે.
૧૦. ઉલ્લેખનીય છે કે, જ્યારથી રેકોર્ડ રાખવામાં આવે છે ત્યારથી અમ્ફાન બંગાળની ખાડીમાં સૌથી વિકરાળ વાવાઝોડું હતું અને ૧૯૯૯ પછી સૌથી ભયાનક હતું. વર્ષ ૧૯૯૯માં આવેલા તોફાનને કારણે ઓરિસ્સામાં ૧૦,૦૦૦ જેટલા લોકોનાં મોત થયા હતા.

PM મોદી આજે મમતા બેનરજી સાથે
વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચક્રવાત અમ્ફાનથી અત્યંત ભયાનક રીતે અસર પામેલા પશ્ચિમ બંગાળના પ્રવાસે શુક્રવારે જશે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે સ્થિતિની સમીક્ષા કરશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા અને તબાહ થઇ ગયેલા વિસ્તારોની મુલાકાત લેવા આગ્રહ કરાયો હતો. પશ્ચિમ બંગાળમાં પ્રચંડ ચક્રવાત અમ્ફાનથી ૭૨ લોકોના મોત થયા છે જ્યારે બે જિલ્લાઓમાં ભીષણ તબાહી થઇ છે. તોફાનથી હજારો લોકો બેઘર થઇ ગયા છે. ઘણા પુલ નષ્ટ થઇ ગયા છે અને નીચલા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પશ્ચિમ બંગાળમાં વિનાશના દૃશ્યો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ચક્રવાતથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે કોઇ કસર બાકી રખાશે નહીં. બંગાળમાં ૧૦૦ વર્ષમાં સૌથી ભયાનક ચક્રવાતમાંથી એકને કારણે હજારો કાચા મકાનો પત્તાના મહેલની જેમ ખરી પડ્યા છે. પાકો નષ્ટ થયા છે જ્યારે વૃક્ષો અને વિજળીના થાંભલા પડી ગયા છે. ઓરિસ્સામાં પણ વાવાઝોડાને કારણે ભારે વિનાશ થયો છે જ્યારે સંચારના મૂળભૂત માળખા નષ્ટ થયા છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ દરેક મૃતકના પરિવારજનો માટે અઢી લાખ સહાયની જાહેરાત કરી છે.

અમ્ફાન અસરગ્રસ્ત કોલકાતા એરપોર્ટ ફરી ધબકતું થયું

ભયાનક વાવાઝોડા અમ્ફાનને કારણે શહેરમાં થયેલા ભારે નુકસાનના ૨૪ કલાકમાં જ કોલકાતાનું એરપોર્ટ ફરીથી ધબકતું થયું છે. એક તરફ દેશ પાણીમાં ગરકાવ રનવે અને તબાહ થયેલા વિમાનઘર જોઇ રહ્યું છે ત્યારે કોલકાતાના એરપોર્ટ સત્તાવાળાઓએ બપોર બાદ એરપોર્ટને ફરીથી ધબકતું કરવા માટેની ક્ષમતા દેખાડી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ સત્તાવાળાઓના નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧૩૦ કિલોમીટરની ઝડપથી ફૂંકાયેલા અમ્ફાન વાવાઝોડાના પવનો અને ભારે વરસાદને કારણે નુકસાન પામેલું કોલકાતા એરપોર્ટ ગુરૂવારે બપોરે ૧૨ વાગ્યા પછી ફરીથી સક્રીય થઇ ગયું છે. ફસાયેલા રશિયન નાગરિકોને ખસેડવા માટે બપોરે ૨.૩૧ વાગે રશિયન ચાર્ટર્ડ પ્લેનના રૂપમાં પ્રથમ ફ્લાઇટ ઉતરી હતી. જ્યારે દિલ્હી માટે પ્રથમ કાર્ગો ફ્લાઇટ રવાના થઇ હતી. સત્તાવાળાઓએ આના માટે ઝડપી કામની યોજના અને ટીમવર્કને શ્રેય આપ્યો હતો. સવારે જ કોલકાતા એરપોર્ટના દૃશ્યો આવ્યા હતા જેમાં દેખાયું હતું કે, આખા રનવે પર પાણી ઘૂસી ગયા છે અને વિમાનો પાણીમાં ગરકાવ છે જ્યારે કેટલાક વિમાનઘર તબાહ થઇ ગયા છે. તેમ છતાં સ્થિતિને કાબૂમાં લઇ સત્તાવાળાઓએ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.