(એજન્સી) નવી દિલ્હી , તા.૩૦
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બાબરી મસ્જીદના નિર્માણ માટે રચવામાં આવેલા ટ્રસ્ટે જણાવ્યું હતું કે, પહેલા જ્યાં મસ્જીદ હતી ત્યાંથી ૨૫ કી.મી.ના અંતરે નવી મસ્જીદનું નિર્માણ કરવામાં આવશે. આ બોર્ડના પ્રમુખ ઝફર ફારૂકીએ જણાવ્યું હતું કે સરકારે મસ્જીદ નિર્માણ માટે પહેલાથી પાંચ એકર જમીન ફાળવી દીધી છે. ફારૂકીએ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટને ઈન્ડો ઈસ્લામિક કલ્ચર નામ આપવામાં આવ્યું છે. સરકારે ચાલુ વર્ષે ૨૪ ફેબ્રુઆરીના રોજ અયોધ્યા જિલ્લાના સોહવાલ તાલુકાના ધાણીપુર ગામમાં મસ્જીદ બાંધવા માટે જમીન આપી હતી. આ સ્થળ હાલ જ્યાં બાબરી મસ્જીદ છે ત્યાંથી ૨૫ કી.મી.ના અંતરે છે. ઘણાં મુસ્લિમ ધાર્મિક નેતાઓના વિરોધ વચ્ચે બોર્ડે આ જમીનનો સ્વીકાર કર્યો હતો. અયોધ્યામાં મસ્જીદ નિર્માણ માટે ટ્રસ્ટની ઘોષણા કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ દ્વારા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ અંગેની જાહેરાત કરતાં ઉત્તરપ્રદેશના સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે જણાવ્યું હતું કે આ ટ્રસ્ટમાં ૧૫ સભ્યો હશે. વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે અયોધ્યામાં મળેેલી જમીન ખાતે મસ્જીદ નિર્માણ માટે આ જાહેરાત કરી હતી. બોર્ડના પ્રમુખ જફર અહેમદ ફારુકીએ જણાવ્યું હતું કે અયોધ્યાના ધન્નીપુર ખાતે જમીન ફાળવવામાં આવી છે. જ્યાં પાંચ એકર જમીન પર મસ્જીદનું નિર્માણ કરવામાં આવશે. ઈન્ડો ઈસ્લામિક રિસર્ચ સેન્ટર, લાયબ્રેરી અને હોસ્પિટલના નિર્માણ માટે ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન નામથી એક ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ટ્રસ્ટમાં હાલ નવ સભ્યો છે. બાકીના છ સભ્યોના નામ નક્કી કરવામાં આવશે. આ સભ્યોના નામ હાલના સભ્યોની સંમતિથી નક્કી કરવામાં આવશે. બોર્ડ પોતે તેનું સંસ્થાપક ટ્રસ્ટી હશે. બોર્ડના મુખ્ય અધિકારી તેના પદ પ્રતિનિધિ હશે. ફારુકીએ જણાવ્યું હતું કે તેઓ પોતે આ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને પ્રમુખ હશે. આ ઉપરાંત ટ્રસ્ટમાં અદનાન ફારુક શાહને ઉપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. અતહર હુસૈનને સચિવ અને ફૈજ આફતાબને ખજાનચી બનાવવામાં આવ્યા છે. જ્યારે મોહમ્મદ જુનેદ, શેખ સઉદઉજ્જમા, મોહમ્મદ રાશિદ અને ઈમરાન અહેમદ હશે. સચિવને ટ્રસ્ટના સત્તાવાર પ્રવક્તા પણ બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે નવ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટએ પ્અયોધ્યા ખાતે રામ મંદિર બાંધવાનો અને અયોધ્યાના કોઈ મહત્વપૂર્ણ સ્થાને પાંચ એકર જમીન પર મસ્જીદ બાંધવાનો ચુકાદો આપ્યો હતો.