અમરેલી, તા.ર૦
રાજ્યમાં કે કેન્દ્રમાં કોઈપણ પક્ષની સરકાર આવે કે સંયુકત જોડાણ રચીને સરકાર બનાવે તથા રાજ્યના રાજ્યપાલ કે દેશના રાષ્ટ્રપતિ બને ત્યારે તેઓ તેમના હોદ્દા મુજબ રાજ્યના કે રાષ્ટ્રના વડા ગણાય છે. નહીં કે કોમ કે જ્ઞાતિના. તેઓ કોઈપણ પણ એક જ્ઞાતિ-જાતિ કે કોમની તકફદારી કરી સમર્થન કરી શકતા નથી. તેઓ પોતાના હોદ્દા મુજબ આ બધાથી પર ગણાય છે. તેઓ એક ભારતીય તરીકે પોતાનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ અમરેલી ખાતે એક કાર્યક્રમમાં અયોધ્યાનો ચુકાદો હિન્દુ સમાજ માટે નવા વર્ષ માટે શુકનિયાળ સાબિત થયો હોવાનું જણાવી વિવાદનો મધપૂડો છંછેડયો છે.
અમરેલી ખાતે સહકાર પરિસંવાદ સમાપન સંમેલનમાં મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના ઉદ્‌બોધનમાં અયોધ્યા ચુકાદો હિન્દુ સમાજ માટે નવા વર્ષમાં શુકનિયાળ ગણાવી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આમ મુખ્યમંત્રીએ મુસ્લિમ સમાજની પરવા કર્યા વિના પોતાની હિંદુ વોટ બેેંકને સાચવવા અયોધ્યાના વિવાદાસ્પદ મુદ્દાને છેડી હિન્દુઓની લાગણી જીતવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમના આ નિવેદનના અન્ય રાજકીય પક્ષોમાં ઘેરા પડઘા પડયા છે.