અયોધ્યાના ધન્નીપુર ગામ ખાતે બંધાનાર મસ્જિદ વકફ એક્ટ અને શરિયત કાયદાની વિરૂદ્ધ : ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ

સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદનો વકફ તરીકે સ્વીકાર કર્યો નથી, જો કોર્ટ જમીનનો વકફ તરીકે સ્વીકાર કરતી તો આપણે ટેકનીકલ રીતે કેસ જીતી જતાં, કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દાન માન્ય નથી, સુપ્રીમ કોર્ટે જે પાંચ એકર જમીન ફાળવી છે, તે બાબરી મસ્જિદના બદલા રૂપે નહીં પણ રાહત કે પુનઃસ્થાપના કરવા માટે આપી છે : સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ

(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
અયોધ્યામાં નિર્માણ પામનારી મસ્જિદની શરિયત પ્રમાણે કાયદેસરતા અંગે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (એઆઈએમપીએલબી)ના સભ્યો અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના અધિકારીઓ વચ્ચે તકરાર ચાલી રહી છે. મુસ્લિમ બોર્ડના બે સભ્યોએ જણાવી રહ્યાં છે કે, અયોધ્યાના ધન્નીપુર ગામ ખાતે બંધાનાર પ્રસ્તાવિત મસ્જિદ વકફ એક્ટ અને શરિયત કાયદાની વિરૂદ્ધ છે. જ્યારે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડનું માનવું છે કે, આ મસ્જિદ સંપૂર્ણ રીતે કાયદેસર છે. મુસ્લિમ લૉ બોર્ડના સભ્ય ઝફરયાબ જિલાનીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં સ્થિત બાબરી મસ્જિદના સ્થળે મંદિર બનાવવાની પરવાનગી આપી મસ્જિદ માટે અલગ સ્થળે જમીન ફાળવી હતી. જો કે આ પ્રકારે બંધાનાર મસ્જિદ વકફ એક્ટ અને શરિયત કાયદાની વિરૂદ્ધ છે. ઝફરયાબ જિલાની બાબરી મસ્જિદ એકશન કમિટીના સંયોજક પણ છે. જિલાનીના નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં સુન્ની વકફ બોર્ડના ચેરમેન ઝુફર ફારૂકીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં મંદિર નિર્માણ પામનાર હોવાથી મુસ્લિમોને મસ્જિદ માટે અલગથી જમીન ફાળવવામાં આવી છે. સુુપ્રીમ કોર્ટના આદેશને પગલે વકફ બોર્ડને જમીનની ફાળવણી કરવામાં આવી છે. વકફ બોર્ડે જમીનની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવીને આ જમીનનો કબ્જો મેળવ્યો હતો. વકફ બોર્ડે આ જમીનનો કબ્જો મેળવવા સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂા. ૯,૨૯,૪૦૦ ચૂકવ્યા હતા. આ જમીન વકફ બોર્ડની સંપતિ છે. પણ આ પોતાની જાતમાં વકફ નથી. તેમણે વકફ અને વકફ બોર્ડના મતલબ અંગે પણ વિસ્તૃત ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વકફ એટલે અલ્લાહના નામે દાન આપેલી સંપતિ. સામાન્ય રીતે મુસ્લિમ સમુદાયના લોકો ઈસ્લામના નામે દાન કરવાના હેતુથી વકફ બોર્ડને સંપતિ સોંપે છે. આમ માત્ર ઈસ્લામમાં માનનારા લોકો જ વકફનું નિર્માણ કરી શકે છે. વકફ બોર્ડ વ્યક્તિગત નથી અને કોઈપણ વ્યક્તિ પોતાની માટે વકફનું નિર્માણ ન કરી શકે. સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદનો વકફ તરીકે સ્વીકાર કર્યો નથી. જો કોર્ટ જમીનનો વકફ તરીકે સ્વીકાર કરતી તો આપણે ટેકનીકલ રીતે કેસ જીતી જતાં. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દાન માન્ય નથી. સુપ્રીમ કોર્ટે જે પાંચ એકર જમીન ફાળવી છે, તે બાબરી મસ્જિદના બદલા રૂપે નહીં પણ રાહત કે પુનઃસ્થાપના કરવા માટે આપી છે.