(એજન્સી)નવી દિલ્હી, તા.૧
સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી ‘પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ’ ૧૯૯૧ની કલમ ૨, ૩ અને ૪ની બંધારણીયતા માન્યતાને પડકારવામાં આવી છે. કારણ કે, આ જોગવાઈઓ લીધે પૂજા કરવાના અને તીર્થ યાત્રાના સ્થળો ઉપર ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં કરાયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરાવવાના કાયદીય પગલાં લેવાથી રોકે છે. અરજીમાં જણાવાયું છે કે, આ શકવર્તી જોગવાઈઓના લીધે જે ગેરકાયદેસર દબાણોને દૂર કરવાનો વિવાદ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં થયેલ છે અને એ માટેના કેસો કોર્ટમાં પડતર છે એ વિવાદમાં કાયદાકીય રાહત આપવા માટે કોર્ટ દ્વારા ઈન્કાર કરાયો છે. કલમ ૨, ૩ અને ૪ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવાનો અધિકાર ઝૂંટવી લેવાયો છે જેથી એના માટે કાયદાકીય ન્યાયિક રાહત મેળવવાના દરવાજાઓ બંધ કરવામાં આવ્યા છે. અરજી ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાઈ છે એમણે આક્ષેપો મૂક્યા છે કે, આ જોગવાઈઓમાં મનસ્વી રીતે પૂર્વ વર્તી રીતે કટ ઓફ ડેટ ઊભી કરાઈ છે અને એ માટે આ જોગવાઈઓ બંધારણના અનુચ્છેદ ૧૪, ૧૫, ૨૧, ૨૫, ૨૬ અને ૨૯નો ભંગ કરનાર છે અને તેઓ બિનસાંપ્રદાયિકતાના મૂળભૂત સિદ્ધાંતનું પણ ભંગ કરે છે અને તેઓ રાજ્યની બંધારણીય ફરજો જે અનુચ્છેદ ૪૯ અને ૫૧એ હેઠળ જણાવેલ છે એનો પણ ભંગ કરનાર છે. અરજીમાં વધુમાં જણાવેલ છે કે, કેન્દ્ર સરકારે આવા ધાર્મિક સ્થળો ઉપર કરાયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે ન્યાયિક માર્ગો બંધ કર્યા હોવાથી હિંદુઓ, જૈનો, બૌદ્ધો અને શીખો કોર્ટમાં જઈ પોતાના અધિકૃત ધાર્મિક સ્થળો પાછા લેવા કોર્ટમાં જઈ શકતા નથી જેના ઉપર ગેરકાયદેસર રીતે હુમલો કરી વિદેશી આક્રમણકારીઓએ કબજો કર્યો હતો અને એમનો કબજો ચાલુ જ રહે છે. હિંદુઓ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સ્થળનો કબજો મેળવવા સેંકડો વર્ષોથી પ્રયાસો કરી રહ્યા છે પણ આ કાયદો ઘડતી વખતે ભગવાન રામનું અયોધ્યા ખાતે આવેલ જન્મ સ્થળને બાકાત રાખવામાં આવ્યું હતું પણ મથુરા ખાતે આવેલ શ્રીકૃષ્ણના જન્મ સ્થળને બાકાત રાખવામાં આવ્યું ન હતું. જો કે, બંને જગતના રચયિતા ભગવાન વિષ્ણુના અવતારો છે.