તેના બદલામાં ઇનામ તરીકે તેમને રાજ્યસભાનું સાંસદપદ અને ઝેડ પ્લસ સિક્યુરિટી મળી : પ્રશાંત ભૂષણ વતી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેની સ્ફોટક દલીલો

(એજન્સી) તા.૭
દેશના ખ્યાતનામ એડવોકેટ પ્રશાંત ભુષણ સામે હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીમાં પ્રશાંત ભુષણ વતી હાજર રહેલા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ ખુબ જ વિસ્ફોટક કહી શકાય એવી દલીલો કરી હતી. તેમણએ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ સહિત કેટલાંક ન્યાયાધિશોએ આપેલા ચુકાદા વખતે લોકમાનસમાં ન્યાયતંત્રની તટસ્થતા અંગે ઉભી થયેલી શંકા-કુશંકાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વરિષ્ઠ વકીલ દવેએ કોર્ટનું ધ્યાન એવાં કેટલાંક ચુકાદા તરફ દોર્યું હતું જે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ હતા અને તે ચુકાદા બાદ જનમાનસમાં એવી છાપ ઉભી થઇ હતી કે દેશના તટસ્થ ગણાતા ન્યાયતંત્રએ પોતાની નિષ્પક્ષતા અને તટસ્થા નેવે મૂકીને ચુકાદા આપ્યા હતા. તે સાથે તેમણે અત્યંત વેધક પ્રશ્ન કર્યો હતો કે રફાલ વિમાન, અયોધ્યા અને સીબીઆઇ જેવા કેસોમાં સરકાર તરફી ચુકાદા આપીને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ ઇનામમાં રાજ્યસભાની સીટ અને ઝેડ પ્લસ સિક્યુરિટિ સરકાર તરફથી મેળવી તે બાબત કેવી છાપ ઉભી કરે છે?
ન્યાયમૂર્તિ સર્વશ્રી અરૂણ મિશ્રા, બીઆર ગવઇ અને ક્રિશ્ના મુરારીની બનેલી બેન્ચને દવેએ કહ્યું હતું તમને રાજ્યસભાનું સાંસદપદ અને ઝેડ પ્લસ સિક્યુરિટી મળી ગઇ તેનાથી કેવી છાપ ઉભી થઇ? રફાલ ચુકાદો, અયોધ્યા ચુકાદો, સીબીઆઇ ચુકાદો. તમે આ કેસના ચુકાદા આપ્યા જેના બદલમાં તમને આ સુવિધા મળી. આ તમામ અત્યંત મહત્વના કેસ હતા જે ન્યાયતંત્રના હાર્દ ઉપર સીધો હુમલો કરે છે. દવે આ પ્રકારની વિસ્ફોટક દલીલો કરીને અટકી નહોતા ગયા, તેમણે વધુમાં એવો વેધક પ્રશ્ન કર્યો હતો કે શા માટે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ હોય એવા કેસ કેટલાંક ચોક્કસ જજને જ સોંપાય છે ? દૃષ્ટાંત તરીકે ન્યામૂર્તિ નરિમાન. તેમને ક્યારેય આવા કેસ સોંપાયા નહોતા? જો કે ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાએ આ દલીલને કાપતા એમ કહ્યું હતું કે ન્યાયમૂર્તિ નરિમાનને અનેક બંધારણી બેંચના સભ્ય બનાવાયા હતા. ન્યાયમૂર્તિ ગવઇએ પણ દવેની દલીલને કાપતાં કહ્યું હતું કે ન્યાયમૂર્તિ નરિમાન મણિપુર કેસ ચલાવતી બેંચના એક સભ્ય હતા. જો કે આ બંને ન્યાયમૂર્તિઓની દલીલોનો જડબાતોડ જવાબ આપતા દવેએ કહ્યું હતું કે તે રાજકીય રીતે સંવેદનશીલ હોય એવા કેસની વાત કરી રહ્યા છે અને તે આ પ્રકારના ૫૦ કેસની યાદી આપી શકે તેમ છે.
દવેએ સુપ્રીમ કોર્ટની આ બેંચને દેશના ૧૩૦ કરોડ લોકો પ્રત્યેની તેની જવાબદારીની યાદ અપાવી હતી. તેમણએ બેંચને કહ્યું હતું તમે ૧૩૦ કરોડ લોકોના માતા-પિતા છો. આપણે આપણા દેશના રાજકારણીઓને સારી રીતે જાણીએ છીએ. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું સુપ્રીમ કોર્ટના હાથમાં છે. દવેએ એમ કહીને તેમની દલીલો પૂરી કરી હતી કે પ્રશાંત ભુષણે કોર્ટનું કોઇ પમાન કર્યું નથી, તે ઉપરાંત તેમણે એવી પણ સ્પષ્ટતા કરી દીધી છે કે તે આ છેલ્લીવાર આ બેંચ સમક્ષ ઉપસ્થિત થઇ રહ્યા છે. તે સાથે દવેએ સુપ્રીમ કોર્ટને ન્યાયતંત્રની સેવામાં પ્રશાંત ભુષણે આપેલા યોગદાનની પણ યાદ અપાવી હતી. આજની સુનાવણી પૂરી કરતાં બેંચે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.