(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી ૬ઠ્ઠી એપ્રિલે રાખી છે. આજે સુપ્રીમ કોર્ટે ૧૩ અપીલોની સુનાવણી શરૂ કરી હતી જે અલ્હાબાદ હાઈકોર્ટના ર૦૧૦ ચુકાદાને પડકારી કરવામાં આવી હતી. કોર્ટે ર.૭૭ એકર જમીનની વહેંચણી બાબત સુનાવણી શરૂ કરી હતી જે જમીન અયોધ્યા ખાતે આવેલ છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ૩ર અરજીઓને ફગાવી હતી જેમાં અરજદારો આ મુદ્દે દરમ્યાનગીરી કરવા માંગતા હતા. જે અરજીઓમાં શ્યામ બેનેગલ, અપર્ણા સેન અને તિસ્તા સેતલવાડની અરજીઓ પણ સામેલ હતી. ગઈ ફેબ્રુઆરી મહિનાની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે ફક્ત જમીનના વિવાદના મુદ્દાને જ ધ્યાનમાં લઈશું એ સાથે સુપ્રીમ કોર્ટે રોજેરોજ સુનાવણી કરવાનો પણ ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પક્ષકારોને કહ્યું હતું કે દસ્તાવેજોની ભાષાંતર નકલો રજૂ કરવામાં આવે. હાઈકોર્ટે ર૦૧૦માં જમીન વિવાદ બાબત ચુકાદો આપી જમીનને ત્રણ ભાગોમાં વહેંચી હતી. જે ચુકાદાથી પક્ષકારો નારાજ થતા એમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. એ સાથે અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓએ પણ એમાં દરમ્યાનગીરી કરવાની માંગતી અરજીઓ કરી હતી જેમાંથી સુપ્રીમ કોર્ટે ૩ર અરજીઓ રદ્‌ કરી હતી.