(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.રપ
ધોળકા તાલુકાના અરણેજ ગામમાં આવેલા બુટભવાની મંદિરના પટાંગણમાં આટાં મારી રહેલાં બે દલિત શખ્સોને એક દરબાર પ્રૌઢ પુરૂષે ઠપકો આપતા બંને દલિત યુવકોએ દરબાર પ્રૌઢ પુરૂષ ઉપર હુમલો કરતાં ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. ત્રણ દિવસ અગાઉ ધોળકામાં દલિતો અને દરબારો વચ્ચે થયેલ ઘર્ષણની સાહી હજી સૂકાઈ નથી ત્યાં ગત રાત્રે અરણેજમાં આ બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
અમદાવાદ જિલ્લાનાં કોઠ પોલીસ સ્ટેશનમાં અરણેજના હીતેષ મનજીભાઈ કોળી પટેલે અરણેજ ગામના રમેશ ઉર્ફે જીગો શિવાભાઈ સોલંકી તથા નરેન્દ્ર ઉર્ફે હેપ્પી શીવાભાઈ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં દર્શાવાયું છે કે અરણેજ ખાતે આવેલા બુટભવાની મંદિરના પટાંગણમાં ગત સાંજે ૭ઃ૩૦ વાગે બંને આરોપીઓ રમેશ અને નરેન્દ્ર આંટાફેરા મારતા હતા. આથી મહીપતસિંહ સબળસિંહ રાઠોડ (ઉ.વ.આશરે ૪૦, રહે.અરણેજ)એ ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાઈ જઈને આરોપી નંબર-૧ રમેશ ઉર્ફે જીગા સોલંકીએ મહીપતસિંહ રાઠોડના માથામાં લોખંડની પાઈપ ફટકારી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. આરોપી નંબર-ર નરેન્દ્ર ઉર્ફે હેપ્પી શીવાભાઈ સોલંકીએ લાકડી વડે હુમલો કર્યો હતો. બચાવવા માટે વચ્ચે પડેલા હીતેષ મનજીભાઈ કોળી પટેલને આરોપીઓએ મુઢમાર માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા મહીપતસિંહને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે કોઠ પોલીસ મથકના મહિલા પીએસઆઈ એચ.વી.પટેલએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવનાં પડઘા ના પડે તે માટે પોલીસ એલર્ટ બની છે.