અમદાવાદ, તા.૧૬
રાજ્યમાં ચોમાસાની સત્તાવાર વિદાયની તૈયારીઓ થઈ ચૂકી છે અને શિયાળાના આગમનના ભણકારા વચ્ચે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે અરબી સમુદ્રમાં સક્રિય થયેલ વેલમાર્ક લો પ્રેશરને પગલે આગામી ર૪ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ ર૪ કલાક દરમ્યાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં દરિયો પણ ગાંડોતૂર થવાની સંભાવના છે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જ્યારે તમામ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાંથી ચોમાસાની વિદાય લગભગ થઈ છે અને શિયાળાના આગમન પૂર્વે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. આગામી ર૪ કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે. વરસાદના વિરામ બાદ હાલમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે આગામી ૧પથી ૧૭ ઓક્ટોબર દરમ્યાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી, જેમાં તા.૧૬ અને ૧૭ ઓક્ટોબર દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અત્યાર સુધી હવામાન વિભાગની આગાહીના બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવાયા હતા. સાથો સાથ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો કચ્છમાં પણ પવન સાથે વરસાદનું આગમન થાય તેવા હવામાન વિભાગનો વર્તારો છે. લો પ્રેશરની અસર સૌથી વધુ નવસારી, વલસાડ, સુરત, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દ્વારકામાં જોવા મળશે.