અમદાવાદ, તા.૬
ગુજરાતમાં શિયાળો આવી ગયો છે પણ ઠંડી નથી ત્યારે શિયાળામાં પણ વરસાદ ચોમાસાની અનુભૂતિ કરાવવા આવી જાય છે. અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થઈ હતી. જેમાં દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય છે અને વાવાઝોડાનું નામ પવન આપ્યું છે. પવન વાવાઝોડુ ૬ કલાકે ૭ કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. જો કે, પવન વાવાઝોડુ સોમાલિયા તરફ આગળ વધી રહ્યું છે. જો કે, પવન વાવાઝોડાના કારણે ગુજરાતને કોઈ અસર નહીં થાય. પરંતુ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડીપ્રેશન સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે અને વાદળછાયુ વાતવરણ રહેશે. કમોસમી વરસાદની અસર જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર જિલ્લામાં થશે, તો અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. જો કે, વાદળછાયુ વાતાવરણ અને ભેજના કારણે પણ પાકમાં જીવાત ઉત્પન્ન થાય છે અને પાકને નુકસાન પહોંચાડે છે. ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે, આજે વાતવરણમાં વાદળછાયુ રહેશે અને આવતીકાલથી વાતાવરણ સ્વચ્છ થઈ જશે. મહત્ત્વપૂર્ણ છે કે, અરબી સમુદ્રમાં ૭ મહિનામાં ૫ વાવાઝોડા સક્રિય થયા છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટરે પણ જણાવ્યું હતું કે, સતત અરબી સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે. અત્યારે પણ અરબી સમુદ્રનું તાપમાન સામાન્ય કરતા ૨થી ૩ ડિગ્રી ઊંચું છે અને જેના કારણે વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે. જો કે, વાવાઝોડુ બનવા માટે એક કારણ નહીં અને કારણો છે જેમાં તાપમાન ખુબ મહત્ત્વનું છે. હવામાન વિભાગ દ્વારા દરિયાની સ્થિતિની ચેતવણી આપવા માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર ડિસ્ટન્ટ ચેતવણી સિગ્નલ નં.૨ (DW-11) ફરકાવવાની સલાહ પણ અધિકારીઓને આપી હતી. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું હતું. છેલ્લાં બે દિવસની વાત કરીએ તો અમદાવાદ શહેરના લઘુત્તમ તાપમાનમાં ૧ ડિગ્રી અને સૌથી ઠંડા ગણાતા નલિયાના તાપમાનમાં ૭.૩ ડિગ્રીનો વધારો નોંધાયો છે. મંગળવારે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન ૧૯.૩ ડિગ્રી નોંધાયું હતું જે ગુરૂવારે ૨૦.૧ ડિગ્રી નોધાયું છે. જ્યારે નલિયાનું તાપમાન ૧૧.૫ ડિગ્રી નોંધાયું હતું જે આજે વધીને ૧૮.૮ ડિગ્રી નોંધાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના દરિયાકાંઠા વિસ્તારના વાતાવતરણમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે વહેલી સવારથી વાદળો છવાયેલા જોવા મળ્યા હતા, તો કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદની આગાહી જારી કરવામાં આવી હતી. જેના સંદર્ભે શુક્રવારે પણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.