(એજન્સી) નવી દિલ્હી,તા.૮
૩૦ એપ્રિલના રોજ બ્રેમ્પટોન શહેરના મેયર પેટ્રિક બ્રાઉને ટિ્‌વટ કર્યું હતું કે, ૧૯૮૪માં કાયદા દ્વારા ચર્ચના ઘંટને ઘોઘાંટની શ્રેણીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. હવે બધા ધર્મોને કેટલીક ચોક્કસ કલાકો અને ચોક્કસ ડેસિબલ સ્તર સુધી આ મુક્તિ આપવામાં આવી છે. મુસ્લિમો સૂર્યાસ્ત વખતે અઝાન આપી શકે છે. કારણે કે, આ વર્ષ ર૦ર૦ છે અમે બધા ધર્મો સાથે સરખો વ્યવહાર કરીએ છીએ. આ નિર્ણય સામે ભારતીય મૂળના રવિ હુડાએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો હતો હવે શું ? ઊંટ અને બકરી પર સવાર લોકો માટે જુદી જુદી લેન, કુરબાનીના નામે ઘરે પ્રાણીઓનો વધ કરવાની સમજૂતી મતો મેળવવા કેટલાક મૂર્ખાઓનું તૃષ્ટિકરણ કરવા બધી મહિલાઓ માટે ચહેરાથી પગ સુધી પોતાને ઢાંકવાનો કાયદો જો કે પાછળથી હુડાએ આ ટિ્‌વટ ડિલિટ કરી નાખ્યો હતો અને તેનો ટિ્‌વટર પ્રોફાઈલ પ્રાઈવેટ બનાવી દીધો હતો. આ ટિ્‌વટ પછી લોકોએ હુડા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડમાં આ ટિ્‌વટ અંગે ફરિયાદ કરી હતી. હુડા બોલ્ટનમાં આવેલી મેકવિલે પબ્લિક સ્કૂલની સ્કૂલ કાઉન્સિલમાં સામેલ છે. આ ફરિયાદ મળ્યા પછી શાળાના પ્રિન્સિપાલે મંગળવારે શાળાની વેબસાઈટ પર એક નોટિફિકેશન મૂકી કહ્યું હતું કે, હુડાને સ્કૂલ કાઉન્સિલમાંથી દૂર કરવામાં આવ્યા છે. મેકવિલે પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું હતું કે, આજે અમને એક ઈસ્લામોફોબિક ટિ્‌વટ અંગે માહિતી મળી હતી. જે અમારી પેરેન્ટ કોમ્યુનિટિના સભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ અંગે તપાસ કર્યા પછી તેમને સ્કૂલ કાઉન્સિલમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે તે સ્કૂલ કાઉન્સિલમાં કોઈપણ પ્રકારે ભાગ લઈ શકશે નહીં.